Krishna Jamnashtami: શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી ધામમાં મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે ભગવાન કૃષ્ણની ચૌલક્રિયા (મુંડન વિધિ) અંબાજી ખાતે થઈ હતી તેવો ઉલ્લેખ પુરાણોમાં પણ થયેલો છે. સમગ્ર દેશમાં 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે અંબાજી મંદિરમાં પણ કૃષ્ણ જન્મ મહોત્સવ એક દિવસ અગાઉ એટલે કે 6 સપ્ટેમ્બરના રાત્રે 12:00 વાગે ઉજવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં ઝૂલામાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો હતો ત્યારબાદમાં અંબાની આરતી થઈ હતી અને જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે અંબાજીમાં મેઘરાજાએ અમી છાંટણા કર્યા હતા. તમામ ભક્તો કૃષ્ણ જન્મોત્સવ વખતે વધામણા કરતા જોવા મળ્યા હતા ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
12ના ટકોરે અંબાજી મંદિરમાં લાલાના જન્મોત્સવની ઉજવણી
અંબાજી મંદિરમાં વર્ષ દરમિયાન માત્ર બે આરતી જ રાત્રે 12:00 વાગે થાય છે, જેમાં જન્માષ્ટમી અને શિવરાત્રીના દિવસે ભટ્ટજી મહારાજ દ્વારા રાત્રે 12:00 વાગે આરતી કરવામાં આવે છે. અંબાજી મંદિરમાં બુધવારે રાત્રે 12 વાગે માતાજીની આરતી થઈ હતી. આ આરતી પહેલાં રાત્રે 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો. પારણામાં ભગવાન કૃષ્ણની મૂર્તિ મૂકીને બારના ટકોરે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભગવાન કૃષ્ણને માખણ અને મિસરીનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો અને ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. ભગવાન કૃષ્ણના જન્મ વખતે મેઘરાજાએ જોરદાર વરસાદ કર્યો હતો, દર વર્ષે ભગવાન કૃષ્ણ જન્મ વખતે મેઘરાજા અમી છાંટણા કરે છે.
મોટી સંખ્યામાં જન્મોત્સવની ઉજવણીમાં પહોંચ્યા ભક્તો
અંબાજી મંદિરમાં બુધવારે રાત્રે મા અંબાની આરતી પહેલાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો, ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી હતી. ઘણા ભક્તો દૂર દૂરથી આ આરતીમાં ભાગ લેવા માટે આવ્યા હતા. રાત્રે વરસાદી માહોલ અને વરસાદ હોવા છતાં ભક્તો મંદિરમાં આવ્યા હતા અને મંદિર પરિસર રાત્રે બોલ મારી અંબે જય જય અંબે અને નંદ ઘેર આનંદ ભર્યો ,જય કનૈયાલાલ લાલકી થી ગૂંજી ઉઠ્યો હતો.
અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તન્મય ઠાકરે જણાવ્યું કે, આ પ્રથા અને પ્રણાલી વર્ષોથી ચાલી આવે છે જન્માષ્ટમીના એક દિવસ અગાઉ અંબાજી મંદિરમાં રાત્રે 12:00 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે અને બીજા દિવસે ઉત્સવ મનાવવામાં આવે છે, જન્માષ્ટમીના દિવસે અંબાજીના બજારોમાં માટલી ફોડનો કાર્યક્રમ યોજાય છે.
(શક્તિ રાજપૂત, અંબાજી)
ADVERTISEMENT