ગાંધીનગર : કડી તાલુકાના ધરમપુર ગામે બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના એક બિઝનેસમેને પોતાના સાઉથ કોરિયન મિત્રોને આ કાર્યક્રમમાં આમંત્રીત કર્યા હતા. તેઓ વિસતપુરા ખાતે આવ્યા હતા અને આજે તિરંગા યાત્રા દરમિયાન તેઓ પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા. જો કે ગઇ કાલે વિસતપુરા ગામ ખાતે ટ્રાયલ દરમિયાન જ અચાનક પેરાશુટ ક્રેશ થઇ ગયું હતું. કોરિયન નાગરિક ગામની અંદર આવેલી હાઈસ્કૂલની પાછળ નીચે પટકાયો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. હોસ્પિટલ ખસેડાયો પરંતું આજે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલ તો કડી પોલીસે આ અંગે વધારે તપાસ આદરી છે.
ADVERTISEMENT
બંન્ને કોરિયન પેરાશુટમાં ટ્રાયલ કરી રહ્યા હતા ત્યારે બની દુર્ઘટના
આ બંને કોરિયન લોકોએ ગઈકાલે ધરમપુરથી વિસતપુરા સુધી પેરાશૂટથી ટ્રાયલ કરી રહ્યા હતા. દરમિયાન ગઇ કાલે 50 વર્ષીય કોરિયન અચાનક આકાશમાંથી નીચે પટકાયો હતો. 50 વર્ષીય કોરિયન SHIN BYEONGMOOAN ને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પેરાશુટ પછડાવાને કારણે આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. કોરિયન વ્યક્તિ શાળાની પાછળના મેદાનમાં પટકાતા જ બેભાન થઇ ગયો હતો. વિસતપુરા ગામની હાઈસ્કૂલની પાછળ ખુલ્લા મેદાનમાં પછડાતા લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત કોરિયનને કડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જો કે ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ કડી પોલીસને થતાં કડી પોલીસે તપાસ શરૂ કરી હતી. તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપ્યા હતા.
કલેક્ટરે તપાસના આદેશ આપ્યા, પેનલ પોસ્ટમોર્ટમ કરાયું
કડીની સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટરો દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે. તેમજ મૃતકના મૃતદેહને કોરિયન મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે ગામના સ્થાનિકોનું કહેવું છે કે, શાળામાં બે દિવસીય કાર્યક્રમ હોવાથી આ બંને કોરિયન ગામમાં પેરાશુટના ટ્રાયલ માટે આવ્યા હતા. કદાચ પતંગની દોરીથી પેરાશૂટ ડેમેજ થઈ ગયું હોય એવું ગામના લોકોનું માનવું છે.
ADVERTISEMENT