અમદાવાદ: અમદાવાદના મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી IPLની ટી-20 મેચમાં ગુજરાત ટાઈટન્સનો 3 વિકેટે પરાજય થયો છે. KKR માટે જીતના હિરો રહેલા રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં યશ દયાળની બોલિંગ સળંગ 5 છગ્ગા ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. એક સમયે જીતની નજીક પહોંચી ગયેલી ગુજરાત ટાઈટન્સની ટીમ છેલ્લી ઓવરના છેલ્લા બોલે મેચ હારી ગઈ હતી. રિંકુ સિંહે 21 બોલમાં 48 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
રાશિદ ખાને IPLની આ સીઝનની પ્રથમ હેટ્રિક લીધી
કોલકાતાની ટીમ માટે સૌથી વધુ રન વેંકટેશ અય્યરે બનાવ્યા હતા. તેણે 40 બોલમાં 83 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી. જ્યારે કેપ્ટન નિતિશ રાણાએ પણ 29 બોલમાં 45 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ગુજરાતની ટીમ માટે કેપ્ટન રાશિદ ખાને 4 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી હતી. રાશિદ ખાને IPLની પ્રથમ હેટ્રિક લીધી હતી. તેણે આંદ્રે રસેલ, સુનિલ નારાયણ અને શાર્દુલ ઠાકુરને આઉટ કર્યા હતા.
https://twitter.com/Rainafanatic3/status/1645061813896355840
યશ દયાળે 4 ઓવરમાં 69 રન આપ્યા
જ્યારે અલઝારી જોસેફે 4 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ, મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ અને જોશુઆ લિટલે 4 ઓવરમાં 45 રન આપીને 1 વિકેટ લીધી હતી. જ્યારે યશ દયાળ સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 17ની ઈકોનોમીથી 69 રન આપ્યા હતા.
વિજય શંકરની તોફાની બેટિંગ
ગુજરાત ટાઈટન્સની બેટિંગની વાત કરીએ તો ગુજરાત માટે વિજય શંકરે સૌથી વધુ 24 બોલમાં 63 રન ફટકાર્યા હતા જેમાં 4 ફોર અને 6 છગ્ગા સામેલ છે. જ્યારે સાઈ સુદર્શને પણ 38 બોલમાં 53 રન ફટકાર્યા હતા. કોલકાતા માટે સુનિલ નારાયણ સફળ બોલર રહ્યો હતો અને તેણે 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લીધી હતી.
ADVERTISEMENT