Morbi News: મોરબીમાં પગાર માગવા પર દલિત યુવકને ચપ્પલ મોઢામાં પકડાવવા અને ઢોર માર મારવા મામલે રાણીબા ઈન્ડસ્ટ્રીઝના માલિક વિભૂતિ પટેલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 16 દિવસમાં જ યુવકને નોકરીએથી કાઢી મૂકીને પગારના પૈસા માગતા ઓફિસ બોલાવી ઢોર માર મારતા તેને હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો. મોંઘીદાટ ગાડીઓમાં ફરતી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા આ બાદથી જ ચર્ચામાં છે. ત્યારે તેના ભાજપ સાથે કનેક્શનની તસવીરો હાલમાં સામે આવી રહી છે.
ADVERTISEMENT
ભાજપના મહિલા નેતા સાથે વિભૂતિ પટેલના સંબંધ!
દલિત યુવકને માર મારવા મામલે આરોપી વિભૂતિ પટેલના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવા સાથે ગાઢ સંબંધો હોવાની માહિતી સામે આવી રહી છે. ભાજપના અનેક કાર્યક્રમોમાં વિભૂતિ પટેલ અને દીપિકા સરડવા એક જ મંચ પર જોવા મળ્યા છે.
સો.મીડિયામાં તલવારથી કેક કાપતા વીડિયો
વિભૂતિ પટેલના સોશિયલ મીડિયામાં પણ મોંઘીદાટ ગાડીઓમાં રૌફ મારતી તસવીરો અને વીડિયો જોવા મળે છે. એક વીડિયોમાં તે તલવારથી જાહેરમાં કેક કાપીને રૌફ જમાવતી દેખાય છે. જોકે ખાસ જોવાનું એ રહેશે કે દલિત યુવકને માર મારવા મામલે ચર્ચામાં આવ્યા બાદ વિભૂતિ પટેલ સામે જાહેરમાં તલવારથી કેક કાપીને ઉજવણી કરવાનો ગુનો પોલીસ નોંધશે કે કેમ? કારણ કે અત્યાર સુધી અનેક એવા મામલા સામે આવ્યા છે જેમાં જાહેરમાં તલવારથી કેક કાપનાર સામે પોલીસ ગુનો નોંધ્યો છે. એવામાં વિભૂતિ પટેલની મુશ્કેલીમાં હજુ વધારો થઈ શકે છે.
ફરિયાદ નોંધાયા બાદ ભૂગર્ભમાં
તો યુવકને માર મારવાના મામલે વિભૂતિ પટેલ સહિત 12 જેટલા લોકો સામે એટ્રોસિટી એક્ટની કલમો ઉપરાંત IPCની કલમ 323, 504, 506 વગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે ગુનો નોંધાતા જ વિભૂતિ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.
ADVERTISEMENT