અમદાવાદ: મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ અને ટોલ્સટ્રોય આશ્રમની સ્થાપના કરીને સાદા જીવન સાથે ઉચ્ચ વિચારનો એક નવો વિચાર લોકો સામે મૂક્યો. જેના પરીણામ સ્વરૂપે તેઓ દક્ષિણ આફ્રિકામાં મોહનમાંથી મહાત્મા બની સ્વદેશ પરત ફર્યા હતા. ગાંધીજી વર્ષ 1915માં ભારત પરત ફર્યા.
ADVERTISEMENT
વિશ્વને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવનારા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ સ્વદેશમાં આશ્રમ ક્યાં સ્થાપવો તેની વિચારમાં હતા. રવિન્દ્રનાથ ટાગોરે બાપુને શાંતિનિકેતનમાં આશ્રમ સ્થાપવા રજૂઆત કરી હતી. તો ગાંધીજી અમદાવાદમાંથી પસાર થતા ઘણા મિત્રોએ તેમને અહીં આશ્રમ સ્થાપવા કહ્યું. અમદાવાદમાં હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં વધુ સારું થશે એમ બાપુને લાગ્યું આથી તેમણે જીવણલાલ વ્રજરાય દેસાઈનો બંગલો ભાડે રાખીને 25 મે 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. આ માટે તેમણે રૂ.2ના ભાડા પેટે જગ્યા લીધી હતી.
ગાંધીજીએ કોચરબ આશ્રમથી જ સત્યાગ્રહની લડત શરૂ કરી હતી. અહીં બાપુએ 11 વ્રતો કર્યા હતા. ચંપારણના સત્યાગ્રહની શરૂઆત પણ આ જ આશ્રમથી થઈ હતી. કોચરબ આશ્રમમાં ગાંધીજીએ જીવનના બે વર્ષ વિતાવ્યા હતા. શરૂઆતમાં અહીં ગાંધીજીની સાથે 20-25 લોકો રહેતા હતા, જોકે બાદમાં આશ્રમમાં રહેતા લોકોની સંખ્યા વધીને 80 સુધી પહોંચી ગઈ, જેથી તેને સાબરતમી પાસે ખસેડવો પડ્યો હતો.
મહત્મા ગાંધીએ કોચરબ આશ્રમને સત્યાગ્રહીઓની પ્રયોગશાળા બનાવ્યો અને આશ્રમ સત્યાગ્રહનું તાલીમકેન્દ્ર બને તેવી કલ્પના તેમની હતી. ગાંધીજીએ લખ્યું છે કે, “મિત્રોની સાથે સારી પેઠે ચર્ચા કરી, છેવટે આશ્રમનું નામ સત્યાગ્રહાશ્રમ રાખવામાં આવ્યું… મારું જીવન સત્યની શોધને અર્પાયેલું છે. તેની શોધને સારું જ જીવવાનું અને જરૂર જણાય તો મરવાનો આગ્રહ છે.”
નોંધનીય છે કે, કોચરબ આશ્રમ 1950 સુધી તેની મૂળ સ્થિતિમાં હતો. જોકે તે વખતની મુંબઈ સરકારે આશ્રમને ગાંધીજીએ સ્થાપેકા પ્રથમ આશ્રમ તરીકે જાળવીને વિકસાવવા માટે સ્મારકનો દરજ્જો આપ્યો હતો. આ બાદ 4 ઓક્ટોબર 1953માં મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ દ્વારા સત્યાગ્રહ સ્મારક તરીકે તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ પછી 1953થી કોચરબ આશ્રમનું સંચાલન ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવે છે.
ADVERTISEMENT