PATAN ના સંડેરમાં 100 કરોડના ખર્ચે બનશે ખોડલધામ, CM અને આનંદીબેન પટેલ રહેશે હાજર

Patan News : સમગ્ર વિશ્વમાં સામાજિક ચેતનાની આહલેક જગાવનાર ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પાટણ જિલ્લાના સંડેર ખાતે રૂપિયા સો કરોડના ખર્ચે ઉત્તર ગુજરાતનું ખોડલધામ સંકુલ બનાવાશે.…

gujarattak
follow google news

Patan News : સમગ્ર વિશ્વમાં સામાજિક ચેતનાની આહલેક જગાવનાર ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પાટણ જિલ્લાના સંડેર ખાતે રૂપિયા સો કરોડના ખર્ચે ઉત્તર ગુજરાતનું ખોડલધામ સંકુલ બનાવાશે. 22 ઓક્ટોબરે રાજ્યના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા આ સંકુલનો ભૂમિ પૂજન સમારોહ યોજાશે.

સામાજિક એકતાથી રાષ્ટ્ર એકતાનો સંદેશ આપનાર ખોડલધામ કાગવડ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં જુદા જુદા ઝોનમાં કુલ પાંચ સંકુલ બનાવી ધાર્મિકતાની સાથે સાથે શૈક્ષણિક આરોગ્ય કૃષિ સહિતના ક્ષેત્રમાં લોકો ઉપયોગી કાર્યોના ઉદ્દેશ્યથી આ સંકુલની સ્થાપના કરવામાં આવશે. ખોડલધામનો વ્યાપ વધારવાનો સંકલ્પ ચેરમેન નરેશ પટેલ સહિત ટ્રસ્ટીઓએ કર્યો છે, ત્યારે ઉત્તર ગુજરાત ઝોનનું પ્રથમ સંકુલ પાટણ તાલુકાના સંડેર ખાતે બનશે.જે માટે દાતાઓના સહયોગથી તેમજ ટ્રસ્ટ દ્વારા 34 વીઘા જેટલી જગ્યા ખરીદવામાં આવી છે.

આ અંગે માહિતી આપતા ખોડલધામના ટ્રસ્ટી અને પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યું હતું કે, આ સંકુલમાં કાગવડ ખોડલધામ મંદિર જેવું જ તેનાથી નાનું મંદિર બનશે. આ ઉપરાંત સંકુલમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ ખેડૂતો માટે કૃષિ સંશોધન કેન્દ્ર અને ખેડૂત તાલીમ કેન્દ્ર બનાવવામાં આવશે. જેનાથી ખેડૂતોને કૃષિ અંગેના નવા નવા સંશોધનોની માહિતી મળશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે તે માટે યુપીએસસી જીપીએસસીના વર્ગનું ટ્રેનિંગ સેન્ટર અને ફિઝિકલ ટ્રેનિંગ સંકુલ પણ ઊભું કરવામાં આવશે.
(વિથ ઇનપુટ વિપિન પ્રજાપતિ)

    follow whatsapp