Kheda: લ્યો બોલો… ભૂમાફિયાઓએ આખા ગામનો દસ્તાવેજ કરી નાખ્યો? જાણો શું છે મામલો

હેતાલી શાહ, ખેડા:  જિલ્લાના કઠલાલ તાલુકાના દાદાના મુવાડા ગામેથી અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે, ભૂમાફિયાઓ દ્વારા આખા ગામનો…

gujarattak
follow google news

હેતાલી શાહ, ખેડા:  જિલ્લાના કઠલાલ તાલુકાના દાદાના મુવાડા ગામેથી અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે, ભૂમાફિયાઓ દ્વારા આખા ગામનો દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે. જ્યારે મામલતદારની તપાસમાં આવું કઈ થયું જ ના હોવાનું સામે આવ્યું છે.

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં પ્રસિદ્ધ ભાથીજીનું મંદિર એટલે કે ફાગવેલ નજીક આવેલા દાદાના મુવાડા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે અમદાવાદના ભૂમાફિયાઓ દ્વારા તેમના ગામમાં આવેલી હજારો વીઘા જમીનો બારોબાર દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોનું માનીને ચાલીએ તો જે સર્વે નંબર ખેડૂતો જણાવી રહ્યા છે, તે સર્વે નંબરમાં ગામની પંચાયત,દૂધની ડેરી,શાળા સહિત અનેક મિલકતોનો બારોબાર દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે.
ન્યાય માટે કરી માંગ 

ત્યારે આજ જમીન ખેડી પોતાની રોજી રોટી મેળવતા ખેડૂતો દસ્તાવેજનું નામ સાંભળતાની સાથે જ ગભરાઈને તંત્ર પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આશરે 40 જેટલા ખેડૂતો  નડિયાદ કલેક્ટર કચેરીએ પહોંચી ખેડા કલેકટરને આવેદન આપ્યું હતું.આવેદન આપ્યા બાદ મૌખિક રજૂઆતમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમદાવાદના કુંદન ઠાકોર અને જનક ઠાકોર દ્વારા આખે આખા ગામનો દસ્તાવેજ જમીન ખેડતા ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર કરી દેવામાં આવ્યો છે. તો આ સંપૂર્ણ બાબતે અહીં આગળ રહેતા રહીશોને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી હતી.

તંત્ર કહે સબ સલામત 
તો બીજી તરફ કઠલાલ મામલતદાર ડી.પી.ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું કે, “આવેદનમાં બતાવેલા સર્વે નંબરમાં રેકર્ડ ચેક કરતા હાલ કોઈપણ જાતનો વેચાણ કે દસ્તાવેજ થયેલ નથી અને જો ભવિષ્યમાં આ સર્વે નંબરોમાં કોઈ નોંધ દાખલ થશે તો તેની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આખા ગામનોજ દસ્તાવેજ થઈ ગયો: ખેડૂત 

હવે આ મામલે મામલતદારના તપાસ બાદ તેમના નિવેદન થી આવું કંઇજ થયું ન હોવાનુ સામે આવ્યું છે. જ્યારે ગ્રામના ખેડૂતો આખા ગામનોજ દસ્તાવેજ થઈ ગયો હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે આગળ જતા આ મામલે શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું.

    follow whatsapp