નકલીનો કાળો કારોબાર! બ્રાન્ડેડ કંપનીના પેકેજિંગમાં નકલી તેલ પધરાવવાનું કૌભાંડ, ખેડામાંથી આખી ફેક્ટરી પકડાઈ

Kheda News: ખેડામાં એક બાદ એક નકલી વસ્તુઓ બનાવવાના કૌભાંડ સામે આવી રહ્યા છે. નકલી હળદર, ઈનો બાદ હવે નકલી તેલનો ગોરખધંધો મળી આવ્યો છે.…

gujarattak
follow google news

Kheda News: ખેડામાં એક બાદ એક નકલી વસ્તુઓ બનાવવાના કૌભાંડ સામે આવી રહ્યા છે. નકલી હળદર, ઈનો બાદ હવે નકલી તેલનો ગોરખધંધો મળી આવ્યો છે. ખેડાના કપડવંજમાંથી પોલીસ, ફૂડ વિભાગ તથા મામલતદારના દરોડામાં શંકાસ્પદ તેલની આખી ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં શંકાસ્પદ તેલની સાથે અનેક બ્રાન્ડેડ કંપનીઓના નામના સ્ટીકર પણ મળી આવ્યા છે.

બાતમીના આધારે ફેક્ટરીમાં પોલીસના દરોડા

ખેડાના કપડવંજમાં હીર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં શંકાસ્પદ તેલ બનતું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે FSL સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને પોલીસે તપાસ કરી હતી. ત્યારે દરોડામાં 15 કિલોના ડબ્બા, 5 લિટરના ટીન અને 1 લીટરની અલગ અલગ નામની બોટલોનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. કોઈપણ લાઈસન્સ વગર ચાલતી ફેક્ટરીમાં રાણી, એક્કા, જાનકી, મંગલદીપ, કુમકુમ જાગૃતિ, કિશન, માતૃધારા, સ્વસ્તિક, અમૃત, અનમોલ તથા મહારાણી બ્રાન્ડના સ્ટીકર પણ મળી આવ્યા હતા.

1000થી વધુ ડબ્બા જપ્ત

ફેક્ટરીમાં સોયાબિન સહિત 8 પ્રકારનું નકલી ઓઈલ બનતું હતું, જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સમગ્ર મામલે પોલીસે તેલના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપ્યા છે અને ભેળસેળ યુક્ત તેલના 1000થી વધુ ડબ્બા સીલ કર્યા છે.

અગાઉ નકલી ઈનોની ફેક્ટરી પકડાઈ હતી

નોંધનીય છે કે, આ પહેલા ખેડામાં નકલી ઈનો બનાવવાનું પણ કારખાનું પકડાયું હતું. માતર GIDCમાં ઈનોના જેવા જ પેકેટ બનાવીને તેમાં ઈનો જેવો દેખાતો પાઉડર પેક કરી દેવામાં આવતો અને માર્કેટમાં મોકલી દેવાતો. કંપનીના જ કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આખો મામલો સામે આવ્યો હતો અને નકલી ઈનોના 2 લાખથી વધુ પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા.

(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)

    follow whatsapp