Kheda News: ફિલ્મ દ્રશ્યની જેમ અભદ્ર માગ કરનારનું ઢાળ્યું ઢીમ પછી છટકી જવાનો હતો પ્લાન, પણ આવી રીતે પકડાઈ ગયા

Kheda News: દ્રશ્યમ ફિલ્મની સ્ટોરીના પ્લોટની જેમ હત્યાની ઘટનાને અંજામ આપી બચવાનો પ્રયાસ કરનાર આરોપીઓ ખેડા એલસીબીની પકડથી ન બચી શક્યા અને આરોપીઓના પ્લાનિંગ પર…

gujarattak
follow google news

Kheda News: દ્રશ્યમ ફિલ્મની સ્ટોરીના પ્લોટની જેમ હત્યાની ઘટનાને અંજામ આપી બચવાનો પ્રયાસ કરનાર આરોપીઓ ખેડા એલસીબીની પકડથી ન બચી શક્યા અને આરોપીઓના પ્લાનિંગ પર પોલીસે પાણી ફેરવી દીધું. ખેડાની આ ઘટનામાં એક પછી એક ચોંકાવનારા ટર્નિંગ પોઈન્ટ્સ પણ ફિલ્મના પ્લોટથી ઓછા નથી. થોડા દિવસ અગાઉ કઠલાલના ખલાલ પાસે એક બળી ગયેલી અજાણી લાશ મળી હતી. પોલીસે અજાણી લાશ અંગે તપાસ હાથ ધરી હતી. તપાસમાં અમદાવાદ સેટેલાઇટ પોલીસની પણ મદદ મળી અને અમદાવાદ તથા ખેડા એલસીબી પોલીસે તપાસ કરતા મૃતકની ઓળખ મૂળ ઈન્દોર અને હાલ અમદાવાદ રહેતો ચીકુ ઉર્ફે મૃદલ હોવાનું સામે આવ્યું હતું બાદમાં તપાસમાં ચીકુની હત્યાનો ભેદ ઉકેલાયો. જેમાં ચીકુએ મિત્ર વિનયની પ્રેમિકા સાથે અઘટીત માંગણી કરતા પ્રેમી વિનય અને અજયે ચીકુની હત્યા કરી અને હત્યાના પુરાવા નાશ કરવા માટે શિવાની ઉર્ફે વાની તથા સગીયર વયની પ્રેમિકાએ પણ મદદ કરી હતી. બાદમાં પકડાઈ ન જાય એટલા માટે મૃતકના ફોનથી ટિકિટ બુક કરી આરોપીઓ ટ્રાવેલીંગ પણ કરતા હતા. જોકે ખેડા એલસીબીની નજરમાંથી ન બચ્યા અને પોલીસે પ્રેમિકા સાથે અઘટીત માંગણી કરનાર ઈસમને મોતને ઘાટ ઉતારનાર પ્રેમી અને પ્રેમિકા સહિત સાગરીતોની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. સમગ્ર ઘટના કેવી રીતે પ્રકાશમા આવી જોઈએ આ અહેવાલમાં.

1700થી વધુ એન્ટ્રીઓની થઈ તપાસ

ખેડા જિલ્લામાંથી પસાર થતા કઠલાલ તાલુકાના અમદાવાદ ઈન્દોર હાઇવે પર ખલાલ ગામના ચરા વિસ્તારમાં કોતરમાંથી થોડા દિવસ અગાઉ અર્ધ બળેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ચહેરા સહિત મોટાભાગના અંગો બળી જવાના કારણે આ વ્યક્તિ કોણ છે ? તેની ઓળખ કરવામાં પોલીસ ને ભારે મહેનત કરવી પડી હતી. જે તે સમયે કઠલાલ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી આ ઘટના પાછળ કોનો હાથ છે ? તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. કોઈપણ જાતની માહિતી કે જાણકારી ન હોવાથી આ હત્યા કેસને શોધી કાઢવામાં પોલીસને ભારે જહેમત ઉઠાવી પડી. ખેડા ક્રાઇમ બ્રાન્ચે સાઇબર સેલ અને એફએસએલ સહિતની મદદ લીધી, અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં ઇગુજકોપ, ગુજરાત પોલીસ સીટીઝન ફર્સ્ટ વેબ પોર્ટલ તથા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના તમામ ગુમ થયેલા અને જાણવા જોગની એન્ટ્રી ચેક કરાઈ, ગુજરાતમા આશરે 470 જેટલી એન્ટ્રી તો ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં થઈ 1350 એન્ટ્રીઓની તપાસ કરાઈ હતી. અને બાદમા અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમા મળી આવેલ લાશના વર્ણન વાળી જાણવાજોગ મળી આવતા મૃતકની ઓળખ થઈ. જેમા મૃતક મૂળ ઈન્દોરનો અને હાલ અમદાવાદમાં રહેતો ઓફીસબોય તરીકે કામ કરતો ચીકુ ઉર્ફે મૃદલ હોવાનુ સામે આવ્યું હતું. જોકે ગુમ થયેલાની જાણવાજોગની નકલમાં અને જે હકીકત હતી તે શંકાસ્પદ લાગતા પોલીસે ટેકનીકલ ટીમ દ્વારા સીડીઆર મેળવી તપાસ કરતા પોલીસ આરોપી સુધી પહોંચી હતી. જેમાં મૃતક ચીકુનો મિત્ર વિનય, અજય, અને જેને ત્યા ઓફીસ બોય તરીકે કામ કરતો હતો તે શિવાની ઉર્ફે વાની તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરીને ખેડા એલસીબીની ટીમ મધ્યપ્રદેશના ઈન્દોરથી ખેડા ક્રાઈમ બ્રાન્ચમા લાવી પુછપરછ શરૂ કરી હતી.

Gujarat Rain: ગુજરાતથી ચોમાસાની થશે અલવિદાઃ જાણો શું કહે છે હવામાન નિષ્ણાંત

મિત્રની પ્રેમિકા પર બગડી અને…

પુછપરછમાં બાળ કિશોરીને આરોપી વિનય ઈન્દોરથી ભગાડીને લાવ્યો હતો. તે શિવાની તથા અજયની સાથે જ તેમના ફાર્મ પર રહેતો હતો. તેમની સાથે મૃતક ચીકુ પણ રહેતો હતો. જોકે બાળ કીશોરીને ભગાડી જવા અંગે ઈન્દોરના પરદેશીપુરા પોલીસ મથકે વિનય પર ઈપીકો કલમ 363 નો ગુનો પણ નોંધાયો છે. મૃતક ચીકુ અગાઉ જ્યારે તે સગીર હતો ત્યારે તેની સામે ઈન્દોરમાં ગેંગરેપનો ગુનો નોંધાયો હતો. બાદમાં તેને કોઈ કામ ન મળતા ચિકુનો એક મિત્ર, તેની બહેન કે જે અમદાવાદમાં બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલી છે અને પોતાની ફર્મ ચલાવે છે તે શિવાની ઉર્ફે વાનીની ઓફીસે ઓફીસ બોયની નોકરી અપાવે છે. શિવાની અજય સાથે લીવ ઈનમાં ગાંધીનગરના સાંતેજમાં આવેલી સેન્ટોસા ગ્રીન લેન્ડમાં ભાડે રહેતી હતી. મૃતક ચીકુ પણ શિવાની તથા અજય સાથે તેમના જ ઘરે રહેતો હતો. દરમ્યાન ચીકુ ઈન્દોર જાય છે અને ત્યાં તેના અન્ય મિત્ર વિનયને મળે છે. વિનય પોતાની પ્રેમિકા હોય સાથે રહેવાનું જણાવે છે. ચીકુ વિનયને તેની પ્રેમીકા સાથે અમદાવાદ આવવાનું કહે છે. વિનય પોતાની પ્રેમિકાને ભગાડી લઈ અમદાવાદ આવી જાય છે અને અજય પણ પોતાની બાળ કિશોરી પ્રેમિકા સાથે શિવાનીના ઘરમાં જ રહેવા લાગે છે. જોકે સગીરવયથી જ વિકૃત માનસીકતા ધરાવતા ચીકુની નજર પોતાના મિત્રની પ્રેમિકા પર બગડી અને તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી. જેની જાણ શિવાની , વિનય અને અજયને થાય છે. તારીખ 4 સપ્ટેમ્બરના રોજ શિવાની અને બાળ કિશોરી બહાર ગયા હતા. દરમિયાન વિનય, અજય અને ચીકુ વચ્ચે પ્રેમિકા પર નજર બગાડવા અંગે બોલાચાલી થઈ, જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બનતા વિનય અને અજયે ચીકુની ગળુ દબાવી હત્યા કરી દીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે તે બાદ અજય અને વિનયે પોતાની પાસે રહેલી કીયા કારમાંથી પેટ્રોલની બે બોટલો ભરી હતી અને લાશને રફેદફે કરવાનું નક્કી કર્યું હતું. ત્યાં શિવાની અને કિશોરી ઘરે આવતા બન્ને ચીકુની લાશ જોઈ ગભરાઈ ગયા અને બધાએ ભેગા મળી લાશને ઠેકાણે પાડવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ ઈન્દોર હાઇવે પર ખેડા જિલ્લાના કઠલાલ પાસેના ખલાલ નજીક અવાવરૂ જગ્યાએ ઝાડી ઝાંખરામાં હત્યા કરાયેલી લાશને ઓળખ ન થાય તે માટે પેટ્રોલ છાંટી સળગાવી ફરાર થઈ ગયા હતા.

દ્રશ્યમની જેમ જ ફોન લઈને ટ્રાવેલીંગ કરે છે

આ ઘટનાથી બચવા માટે વિનય, અજય, શિવાની અને બાળ કિશોરીએ દ્રશ્યમ ફિલ્મ જેમ જ પ્લાન બનાવ્યો હતો. જેમાં મૃતકના ફોનથી ટિકિટ બુક કરાવી મેસેજથી બધાના કોન્ટેકમાં રહે છે તમામ આરોપીઓ પોતાના ફોન ઘરે રાખી મૃતકના ફોન સાથે ટ્રાવેલીંગ કરે છે. અને પછી ફોન સ્વીચ ઓફ કરી દઈ પરત ઘરે આવી જાય છે. ઘણા દિવસો વિતવા છતા ચીકુના પરીવાર સાથે ચીકુનો સંપર્ક ન થતા પરીજનો શિવાનીને ફોન કરે છે અને શિવાની ચીકુના પિતાને જણાવે છે કે, અમદાવાદ સેટેલાઇટ તેને ઉતાર્યો હતો. પછી કોઈ સંપર્ક નથી થયો. ત્યારબાદ ચીકુના પિતા અને શિવાની અમદાવાદ સેટેલાઇટ પોલીસ મથકે ચીકુના ગુમ થવા અંગે જાણવાજોગ નોંધાવે છે અને થોડા દિવસ પછી તમામ આરોપીઓ ઈન્દોર જતા રહે છે.

આરોપીઓએ કરેલી ભૂલો જ પોલીસને આરોપીઓ સુધી લઈ ગઈ

આ અંગે ખેડા ક્રાઈમ બ્રાન્ચ તથા ખેડા એસ.પી રાજેશ ગઢિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, “જ્યારે કઠલાલ વિસ્તારના ખલાલ નજીકના જગ્યાએથી બળેલી હાલતમાં લાશ મળી આવી હતી, જેના ફોરેન્સિક રિપોર્ટ કરાવવામાં આવ્યા ત્યારે લાશ ઉંધી પડેલી હતી. જેને લઈને મૃતકની છાતી પર ચીકુ લખેલું હતું તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી અને ચીકુ લખેલા વર્ણન વાળી જાણવા જોગ ફરિયાદ અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવી હતી. જેમાં શિવાની નામની મહિલાએ એવું લખાવ્યું હતું કે તેણે ચીકુને 4 સપ્ટેમ્બરના રાતે 10:30 વાગે સેટેલાઈટ વિસ્તારમાં ડ્રોપ કર્યો હતો. પરંતુ પોલીસને 4 સપ્ટેમ્બરના જ દિવસે સાંજે 5:00 વાગે જ ચીકુની લાશ મળી ગઈ હતી. જેને લઇ શિવાનીની વિગતોમાં વિરોધાભાસ જણાયું હતું. બાદમાં ટેકનીકલ ટીમ દ્વારા સીડીઆર મેળવ્યા અને તમામની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. જેમાં હત્યાની વિગતો સામે આવી છે. હાલ તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તમામ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.”

મહત્વનું છેકે, આરોપીઓએ ચીકુની લાશને ખેતરમાં ફેંકી ત્યારે તે ઊંધી પડી હતી અને એવી જ અવસ્થામાં તેની પર પેટ્રોલ છાંટીને સળગાવવામાં આવી હતી. આખી લાશ તો સળગી ગઈ પણ લાશ ઉંધી હોવાને કારણે છાતીનો ભાગ સળગ્યો ન હતો અને જ્યાં મૃતકનું નામ ચીકુ લખેલું હતું. તે પીએમ દરમિયાન સામે આવ્યું હતું. જેને લઈને પોલીસને એક મહત્વની કડી પણ તપાસ દરમિયાન મળી આવી હતી. અને પોલીસ હત્યારાઓ સુધી પહોંચી ગઈ હતી.

    follow whatsapp