Kheda School News: ગુજરાતની સરકારી શાળામાં બાળકોને અપાતા શિક્ષણની કેવી કથળતી સ્થિતિ છે તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. નડિયાદ તાલુકામાં આવેલા ચકલાસીની એક સરકારી શાળાનો વીડિયો હાલમાં વાઈરલ થયો છે, જેમાં ચાલુ શાળાએ શિક્ષકોએ ગુલ્લી મારી છે. આખી શાળામાં શિક્ષક તો દૂર પ્રિન્સિપાલ પણ દેખાતા નથી. વર્ગખંડમાં બાળકો એકલા જ બેસીને જાતે અભ્યાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
શાળામાં એકપણ શિક્ષક ન દેખાયા
નડિયાદ તાલુકાના ચકલાસીના ઉમેદપુરાના ભીખા ઉમેદના કુવા પાસે આવેલી પ્રાથમિક શાળાનો વિડીયો હાલમાં વાયરલ થયો છે. ચાલુ શાળાએ શિક્ષકોની હાજરી ન દેખાતા જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો હતો. જેમાં તમામ વર્ગખંડોમાં તપાસ કરતા એક પણ શિક્ષક કે આચાર્ય ક્લાસમાં જોવા મળ્યા નહોતા. શાળાના કાર્યાલય તાળા લટકતા દેખાય છે, તો સ્ટાફરૂમ પણ ખાલી જોવા મળે છે.
જાગૃત નાગરિકે ઉતાર્યો વીડિયો
જાગૃત નાગરિકે ઉતારેલા વિડિયોમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રામ ભરોષે દેખાય છે. કુલ 4 મિનિટ 15 સેકન્ડનો વિડિયો બનાવ્યો જેમાં આખી શાળા બતાવવામાં આવી છે. જેમાં એકપણ શિક્ષક કે આચાર્ય શાળામાં ન દેખાયા નહોતા. શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષકો અંગે પૂછતા વિદ્યાર્થીઓ પણ અજાણ હતા. શિક્ષકોની ગેરહાજરીથી બાળકોના શિક્ષણ તેમજ સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે હવે શિક્ષણ વિભાગ શું પગલા લેશે તે જોવાનું રહેશે.
ગુજરાતની 1606 શાળામાં એક જ શિક્ષક
હાલમાં જ વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં શિક્ષણમંત્રીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 1606 એવી સરકારી શાળા છે જેમાં ધો.1થી 8ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર 1 જ શિક્ષક છે. ત્યારે બીજી તરફ જે શાળામાં શિક્ષકો છે ત્યાં પણ આ રીતે ગુલ્લી મારવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે.
(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT