Kheda News: ભાજપમાં ગજબનું રાજકારણ, હમણાં જ નિમણૂક પામેલા પ્રમુખ-ઉપ પ્રમુખના રાજીનામાં પછી બળવાખોરોને હોદ્દો

Kheda News: કઠલાલ નગરપાલીકા પ્રમુખ ઉપપ્રમુખના રાજીનામા બાદ આજે કઠલાલ નગર પાલિકામાં પ્રમુખ ઉપ પ્રમુખની પદની ચૂંટણી યોજાઈ, જોકે બળવાખોરોને હોદો અપાતા ભાજપે ઘી ના…

gujarattak
follow google news

Kheda News: કઠલાલ નગરપાલીકા પ્રમુખ ઉપપ્રમુખના રાજીનામા બાદ આજે કઠલાલ નગર પાલિકામાં પ્રમુખ ઉપ પ્રમુખની પદની ચૂંટણી યોજાઈ, જોકે બળવાખોરોને હોદો અપાતા ભાજપે ઘી ના ઠામમા ઘી ઢોળી વિવાદને શાંત પાડ્યો છે. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં….

ડેમેજ કંટ્રોલ માટે ભાજપના આગેવાનોની મેરેથોન બેઠક

કઠલાલ નગરપાલિકાની અઢી વર્ષની ટમ પૂર્ણ થતા થોડા સમય અગાઉ પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. કઠલાલ નગરપાલિકામાં ભાજપની બહુમતી હોવાને કારણે ભાજપે તે સમયે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે મેન્ડેટ આપ્યું હતું. જેમાં તે સમયે ભાજપએ પ્રમુખ પદ માટે હર્ષદ પટેલ ને તો ઉપપ્રમુખ પદ માટે જીગ્નેશ ભાવસારને મેન્ડેટ આપ્યું હતું. પરંતુ સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા પ્રશાંત પટેલે પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી હતી. તો ભાજપે આપેલ મેન્ડેડ પર હર્ષદ પટેલે પણ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી હતી. જેમાં કઠલાલ નગરપાલિકામાં ચૂંટાયેલા 24 સભ્યોમાંથી 14 સભ્યોએ પ્રશાંત પટેલને સમર્થન આપતા પ્રશાંત પટેલ પ્રમુખ પદે ચૂંટાયા હતા. એટલું જ નહીં ઉપ-પ્રમુખ પદ માટે જીગ્નેશ ભાવસારને ભાજપે મેન્ડેટ આપ્યું હતું. પરંતુ જીગ્નેશ ભાવસારએ પણ પ્રશાંત પટેલને સમર્થન આપ્યું હતું. અને પ્રશાંત પટેલ તથા જીગ્નેશ ભાવસારે ભાજપમાં બળવો કર્યો હતો. જેને લઈને પક્ષે જે તે સમયે બળવો કરનાર ભાજપના સભ્યો સામે કાર્યવાહી કરી પક્ષમાંથી બરતરફ કર્યા હતા. પરંતુ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ તરીકે ચૂંટાયાના ગણતરીના જ દિવસોમાં પ્રશાંત પટેલ અને જીગ્નેશ ભાવસારે પદ પરથી રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ તથા કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ મળીને ભાજપમાં બળવો કરનારને શાંત પાડ્યા હોય તે ચર્ચા રાજકીય ગલિયારોમાં થઈ રહી હતી. કારણકે કઠલાલ પાલિકામાં બળવો થતાં ડેમેજ કંટ્રોલ કરવા જિલ્લા ભાજપના આગવેનાઓએ મેરેથોન બેઠક કરી હતી. ચર્ચાતી વાતો અનુસાર પ્રદેશે પણ દરમ્યાનગીરી કરી હતી. જે બાદ ભાજપે ખેલ પાડી દીધો હતો.

ફરી ચૂંટણી થઈ અને…

હવે આજે કઠલાલમાં ફરી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. જોકે સૌના આશ્ચર્ય વચ્ચે કઠલાલ નગરપાલિકાના પ્રમુખ પદે ભાજપે નવો ક્ષત્રિય ચહેરો ગૌતમ સિંહ ચૌહાણ પર પસંદગી ઉતારી હતી. ઉપરાંત ઉપપ્રમુખ પદે બળવાખોર પ્રશાંત પટેલ પર પસંદગી ઉતારી હતી. તમામ સભ્યોએ ભાજપના આ નિર્ણયને સ્વીકારતા પ્રમુખ પદ માટે ગૌતમસિંહ ચૌહાણ જ્યારે ઉપપ્રમુખ પદ પર પ્રશાંત પટેલ ચૂંટાઈ આવ્યા. આ સાથે જ પક્ષના નેતા તરીકે પ્રકાશભાઈ પટેલ તો દંડક તરીકે નિલેશભાઈ પરમારની વરણી કરાઈ. જ્યારે કઠલાલ નગરપાલિકાના કારોબારી સભ્ય તરીકે બળવો કરનાર અને ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપનાર જીગ્નેશ ભાવસારની નિયુક્તિ કરવામાં આવી. નિયુક્તિ થતા તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મહત્વનું છે કે આજે યોજાયેલ ચૂંટણીમાં જાતે જિલ્લા ભાજપ પ્રમુખ અજય ભ્રમભટ્ટ અને કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Dinesh Dasa News: સરકારના માનીતા અધિકારી દિનેશ દાસાને મળ્યું એક્સટેન્શનઃ…

શાંત થયેલો બળવો લોકસભા વખતે નડે નહીં..

જોકે આ તમામ વચ્ચે એક વસ્તુ એ પણ સામે આવી છે કે, પ્રમુખ અને ઉપપ્રમુખ પદે રાજીનામું આપનારે બળવો કરીને પણ પાલિકામાં સત્તા તો મેળવી જ છે અને એમાંય પોતાની જ મનમાની કરવાનો સ્વભાવ ધરાવતા પ્રશાંત પટેલ પાલિકા પર તો પોતાનો કબજો જમાવ્યો જ છે અને હોદ્દો પણ જાળવી રાખ્યો છે. અગાઉ પણ પ્રશાંત પટેલ કઠલાલ નગરપાલિકાનું પ્રમુખ પદ ભોગવી ચુકયા છે. જેને લઈને તેમને વહીવટનો અનુભવ છે. જ્યારે નવા ચૂંટાયેલ ગૌતમ સિંહ ચૌહાણને કોઈ અનુભવ ન હોવાથી તેઓ રબર સ્ટેમ્પ સમાન બને તો નવાઈ નહીં તેવી ચર્ચાઓ પણ રાજકીય આલમમાં થઈ રહી છે. એટલું જ નહીં બળવો કરનાર જીગ્નેશ ભાવસારને પણ પાલિકાનો વહીવટ સોંપવામાં આવ્યો છે. એટલે કે કઠલાલ નગરપાલિકાના કારોબારી સભ્ય બનાવવામાં આવ્યા છે. જેને લઇ ભલે પ્રમુખ અને ઉપપ્રમુખ પદે પ્રશાંત પટેલે અને જીગ્નેશ ભાવસારે રાજીનામું આપ્યું હોય પરંતુ બળવાખોરોને શાંત કરી હોદ્દો આપીને કઠલાલ નગરપાલિકા પર ભાજપે પોતાનું વર્ચસ્વ કાયમ રાખ્યું છે. એમાંય ખાસ કરીને ક્ષત્રીય વોટબેંક પણ જાળવી દીધી. એટલે આગામી લોકસભાની ચૂંટણીમાં કઠલાલ ભાજપમાં થયેલા આંતરિક મતભેદ નુકસાન ના કરાવે. જોકે હાલ તો કઠલાલ પાલિકામાં ભાજપનો ભગવો ફરી કાયમ રહેતા તમામ ચૂંટાયેલા સભ્યો અને હોદેદારોમાં ખુશી જોવા મળી રહી છે. નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોને સૌએ શુભેચ્છાઓ પણ પાઠવી છે. ત્યારે અત્યારે શાંત પડેલો બળવો લોકસભામાં ફરી સામે આવે છે કે કેમ તે જોવું રહ્યું.

    follow whatsapp