Kheda News: ખેડામાં જિલ્લાના ઉંઢેલા ગામમાં ગત વર્ષે નવરાત્રીની આઠમે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે કેટલાક મુસ્લિમ યુવકોને જાહેરમાં થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી હતી, જેમાં પોલીસકર્મીઓને દોષિત જાહેર કરીને કોર્ટ દ્વારા 14 દિવસની સજા ફટકારવામાં આવી છે. સાથે દંડ પણ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પોલીસકર્મીઓને સજા અને દંડ
ઉંઢેલા ગામમાં મુસ્લિમ યુવકોને જાહેરમાં લાકડીથી માર મારવાના કેસમાં કોર્ટે 4 પોલીસકર્મીઓને દોષીત માન્યા હતા. ચારેય પોલીસકર્મીઓને કોર્ટના આદેશની અવમાનના કરવા પર 14 દિવસની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ રૂ.2000નો દંડ પણ કરાયો છે. કોર્ટે કહ્યું કે, પોલીસના આ પ્રકારના વ્યવહારથી પીડિતોને માનસિક હેરાનગતિ થઈ. જો આ લોકોને માફ કરવામાં આવ્યા તો આવનારા દિવસોમાં તમામ પોલીસકર્મીઓ આવી જ રીતે જાહેરમાં સજા આપવા લાગશે, જે કોર્ટના કાયદાનું અપમાન છે. અમને આ ચૂકાદો આપતા દુઃખ થઈ રહ્યું છે પણ અમે કાયદાથી બંધાયેલા છીએ.
શું હતો સમગ્ર મામલો?
હકીકતમાં 4 ઓક્ટોબર 2022ના રોજ ખેડાના ઉંઢેલા ગામમાં આઠમના નોરતા પર પથ્થરમારો થયો હતો. જેમાં સ્થાનિક લોકોએ કેટલાક લોકોની ધરપકડ કરી હતી અને બીજા દિવસે મસ્જિદ ચોકમાં લઈ જઈને આ યુવકોને થાંભલા સાથે બાંધીને ડંડા વડે માર માર્યો હતો. પીડિતોએ પોલીસ પર ઘરમાં ઘુસીને અત્યાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરાઈ હતી.
પોલીસકર્મીઓએ સજાથી બચવા વળતરની ઓફર આપી હતી
નોંધનીય છે કે, આ પહેલા હાઈકોર્ટમાં પોલીસકર્મીઓએ સજાથી બચવા માટે પીડિતોને વળતર આપવાની ઓફર કરી હતી. જોકે પીડિત યુવકોએ વળતર લેવાની ઓફર ફગાવી દીધી હતી. પીડિતોના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમના અસીલને વળતર નહીં પરંતુ ન્યાય જોઈએ છે.
ADVERTISEMENT