હેતાલી શાહ/ખેડા: કપઠવંજમાં સગીર વયના પ્રેમી પંખીડાએ આંત્રોલી નહેરમાં ઝંપલાવ્યું હોવાની ઘટનાને લઈને ચકચાર મચી છે. નહેરના કાંઠેથી મળેલા બાઈકના આધારે સગીર પ્રેમી પંખીડાએ આપઘાત કર્યાની થિયરી ઉપર પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં બહિયલથી આવેલી તરવૈયાઓની ટીમને કિશોરનો તો મૃતદેહ મળી આવ્યો, પરંતુ હજી કિશોરીની શોધખોળ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
બંને સવારે બાઈક લઈને ઘરેથી નીકળી ગયા હતા
મળતી માહિતી અનુસાર, કઠલાલના નાની મુંડેલ ગામમા રહેતા સગીર વયના યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારે બંને બુધવારે વહેલી સવારે પોતાના ઘરેથી નીકળી ગયા હતા. કિશોર બાઈક લઈને આવી પ્રેમિકાને લઈને કપડવંજના આંત્રોલી પાસેથી પસાર થતી નર્મદા કેનાલે પહોંચ્યો હતો. જ્યાં બાઈક પાર્ક કર્યા બાદ કિશોરે પોતાની પ્રેમિકા સાથે સેલ્ફી લઈને પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં 5.19 મિનીટે ફોટો મૂકી નીચે “મિસ યુ મારી જાન”નું લખાણ લખ્યું હતું. સ્ટેટસ મૂક્યાના થોડા સમયમાં જ મિત્રો અને પરિજનો એ સ્ટેટસ જોતા ચિંતિત બન્યા હતા અને પોલીસને જાણ કરી બન્નેની શોધખોળ હાથ ધરી હતી.
કેનાલ પાસેથી ફોન, ઘડિયાળ, બાઈક મળ્યું
બાદમા સગીરના મિત્રો અને પરિવારજનોને ઘટનાની જાણ થતા તેઓ સ્થળ ઉપર દોડી ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી નહેર પાસે મળી આવેલ બાઈકના આધારે પોલીસે નહેરમાં કિશોર અને કિશોરીની શોધખોળ શરૂ કરાવી હતી. દરમ્યાન ભારે જહેમત બાદ બહિયલથી આવેલ તરવૈયાઓની ટીમને કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પીએમ માટે આતરસુંબા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યો. જ્યારે હાલમાં કિશોરીના મૃતદેહને શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે. જોકે હજી સુધી કિશોરીનો મૃતદેહ મળ્યો નથી. પોલીસને નહેરના કાંઠેથી બાઈક, ઘડિયાળ, બે મોબાઈલ ફોન અને બુટ મળી આવ્યા છે, જે પોલીસે કબજે લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT