હેતાલી શાહ/ખેડાઃ સામાન્યતઃ લોકોના માનસમાં કોર્ટ અને પોલીસની કાર્યવાહી એટલે લાંબી અને કંટાળા જનક વિધિ એવી છાપ છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોર્ટે અને પોલીસે બનાવના ટુંકા સમયમાં આરોપીની ધરપકડથી લઈ ચાર્જશીટ અને સજાની કાર્યવાહી અત્યંત ઝડપી કરી હોય તેવા કિસ્સાઓ પણ બનવા લાગ્યા છે. આવી ઘટનાઓ લોકોના માનસમાં કાયદા પ્રક્રિયા પર વધુ વિશ્વાસ પ્રબળ બનાવવા માટે એક અલગ છાપ છોડી જતી હોય છે. આવી જ એક ઘટના ગુજરાતના ખેડા જિલ્લામાં બની છે. અહીં માતર તાલુકાના ત્રાજ ગામે એક 16 વર્ષીય સગીરનાનું જાહેરમાં ગળુ કાપીને તેની હત્યા કરીનાખનારા હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને માત્ર 8 જ દિવસમાં તેની સામે ચાર્જશીટ દાખલ કરીને નડિયાદ સેશન્સ કોર્ટમાં તેને રજૂ કર્યો હતો. કોર્ટે પણ તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખીને ઝડપી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરતા આરોપીને આજે ગુરુવારે આજીવન કેદની સજા ફટકારી છે.
ADVERTISEMENT
46 વર્ષના રાજૂએ કૃપાને માર્યા ઘા
તમને યાદ હશે હાલમાં જ સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં મહિલા સુરક્ષાની વાત ખુબ જ પ્રબળતાથી લોકોના મુખે રજૂઆત બનીને ચર્ચાતી થઈ ગઈ હતી. એવી ઘણી અરેરાટી ભરી ઘટનાઓ તે પછી પણ બની. આવી જ એક અરેરાટી ભરી ઘટના ગુજરાતના ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા ત્રાજ ગામમાં બની છે. અહીં 16 વર્ષની કૃપા પટેલ નામની દીકરી ગામના મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી. ત્યાં એક 46 વર્ષના રાજૂ નામના શખ્સે કૃપાને પકડી લીધી અને પોતાની પાસે રાખેલા ધારદાર હથિયારથી તેનું ગળુ કાપી નાખ્યું, એટલું જ નહીં કૃપાના હાથ પર પણ હથિયારથી હુમલો કર્યો હતો. જેના કારણે ઘટના સ્થળ પર લોહીના ફૂવારા ઉડ્યા હતા.
પોલીસ સુપ્રિટેન્ડેન્ટ સાજેશ ગઢીયા ઘટનાની ગંભીરતા સમજી ગયા
જાહેરમાં બનેલી આ ઘટનાને જોઈ કૃપાની સાથે આવેલી તેની બહેનપણી ઘણી ગભરાઈ ગઈ અને તેણે બુમરાણ મચાવી દીધી. જેના કારણે સ્થાનીક લોકો ત્યાં દોડી આવ્યા હતા. લોકોએ 108 ઈમર્જન્સી એમ્બ્યૂલન્સ વાન દ્વારા તેને હોસ્પિટલમાં પહોંચાડી હતી. જોકે સિવિલ હોસ્પિટલમાં ફરજ પર રહેલા ડોક્ટરે તેને તપાસતા તે મૃત હોવાનું જાહેર કર્યું હતું. બીજી તરફ ઘટનાની વિગતો ખેડા પોલીસ સુધી પહોંચી અને પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી અને તપાસ આરંભી દીધી હતી. ખેડા જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ રાજેશ ગઢીયાએ ઘટનાને ગંભીરતાથી જોતા તુરંત ફોરેન્સીક પુરાવાઓ સહિતની કામગીરી આરંભી દેવાના આદેશો કર્યા હતા. પોલીસે આરોપી રાજૂને થોડા જ કલાકોમાં દબોચી લીધો અને તેની પુછપરછ શરૂ કરી હતી.
આવી રીતે 46 વર્ષનો રાજૂ 16 વર્ષની કૃપાના પ્રેમમાં પડ્યો
પોલીસની પુછપરછમાં એવું સામે આવ્યું કે રાજૂ પટેલની ભત્રીજી કૃપા પટેલ સાથે ભણતી હતી. જેથી કૃપા ઘણી વખત રાજુના ઘરે અવર-જવર કરતી હતી. ત્યાંથી જ રાજૂ કૃપાના એક તરફી પ્રેમમાં પડી ગયો હતો. કૃપાને પણ કદાચ આ વાતનો અણસાર આવી ગયો હતો, જેના કારણે કૃપાએ તેની તે મિત્રના ઘરે જવા આવવાનું બંધ કરી દીધું હતું. જે વાત રાજૂ પટેલને પસંદ પડી રહી ન હતી અને તેણે ગત 17 ઓગસ્ટ 2022ની બુધવાર સાંજે 7.30એ કૃપા પટેલ જ્યારે પાન પાર્લરથી કોલ્ડ ડ્રિંક્સ ખરીદી રહી હતી ત્યારે તેને પાછળથી આવીને છરીથી હુમલો કરી તેનું ગળુ કાપી નાખ્યું હતું. એટલું જ નહીં પણ તેના હાથ પર પણ ત્રણથી ચાર ઘા કરી દીધા હતા. જેના કારણે કૃપા જાણે પોતાના જ લોહીથી નહાઈ ગઈ હોય તેમ ફુવારા ઉડ્યા હતા. તેને તે પછી સિવિલ હોસ્પિટલમાં સારવારમ માટે ખસેડવામાં આવી પરંતુ હોસ્પિટલમાં કૃપાએ દમ તોડ્યો હતો. જેના કારણે કૃપાના પરિવારની સાથે સાથે સ્થાનિકોમાં પણ રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. કૃપાના પરિવારની માગ હતી કે જેમ સુરતમાં ગ્રીષ્મા પટેલ હત્યા કેસમાં આરોપી ફેનિલને જલ્દીથી જલ્દી સજા થઈ હતી તે જ રીતે આ કેસમાં પણ કાર્યવાહી જલ્દી થાય.
પોલીસે 554 પેજની ચાર્જશીટ દાખલ કરી
આ તરફ પોલીસ ઘટનાની ગંભીરતાને સમજી ગઈ હતી. પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરતા રાજૂની ધરપકડ કરી લીધી હતી. કૃપાના પોસ્ટ મોર્ટમ અને સ્થળ પરના વિવિધ પુરાવાઓ સાથે પોલીસ હવે આરોપી રાજૂ વિરુદ્ધના કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવાની કાર્યવાહીમાં લાગી ગઈ હતી. માત્ર 8 જ દિવસમાં પોલીસે નડિયાદ સેશન્સ કોર્ટ સામે 554 પેજની ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આજે નડિયાદ સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી ગયો અને રાજૂ પટેલને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. ચુકાદા બાદ કોર્ટ અને પોલીસની આવી ઝડપી કાર્યવાહી ગુનો આચરનારા શખ્સોને પાઠ ભણાવે અને ગુનેગારોના હાથ ગુનો કરતા પહેલા થથરવા જોઈએ તેવી આશા પરિવાર અને સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT