Kheda News: વિકસિત ગુજરાતની વાતો સરકારીની શાળાની હાલત કથળી રહી છે. શિક્ષણ માટે બાળકો જર્જરિત શાળામાં જીવન જોખમે અંદર બેસવા મજબૂર થયા છે. ત્યારે ખેડામાં આવી જ એક જર્જરિત શાળામાં તંત્રની બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. શાળામાં વર્ગખંડનો સ્લેબનો ભાગ ધરાશાયી થતા નીચે બેઠેલા બાળકો લોહીલુહાણ થઈ ગયા હતા. દુર્ઘટનામાં 3 બાળકો ઈજાગ્રસ્ત થઈ જતા તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. ઘટના બાદ અધિકારીઓ દોડતા થયા હતા.
ADVERTISEMENT
શિક્ષણ વિભાગની બેદરકારીનો બાળકો ભોગ બન્યા
ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા શેખુપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગની બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા છે. શિક્ષણ મેળવવા માટે બાળકો જર્જરિત શાળામાં ભણવા મજબૂર બન્યા છે. આ વચ્ચે આજે શાળામાં અભ્યાસ દરમિયાન જ વર્ગખંડના સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. જેનો કાટમાળ બાળકોના માથા પર પડતા તેમને ઈજા પહોંચી હતી.
ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ
શાળામાં સ્લેબ તૂટવાની જાણ થતા જ ગ્રામજનો શાળામાં દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં મળતા વિગતો મુજબ, 3 જેટલા બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને લીંબાસીની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તંત્રની બેદરકારીનો ભોગ બાળકો બનતા વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT