Kheda News: ગુજરાતમાં ફરી એકવાર કથિત લઠ્ઠાકાંડની ઘટના સામે આવી રહી છે. ખેડા જિલ્લાના નડિયાદ અને મહુધા તાલુકાના બે ગામોમાં છેલ્લા બે દિવસમાં 6 લોકોના શંકાસ્પદ રીતે મોત થયા છે. મૃતકો પાસેથી આયુર્વેદિક સિરપની બોટલો મળી આવી છે, આ બોટલ પર અમદાવાદના જુહાપુરાનું સરનામું લખેલું છે. જેના આધારે પોલીસે હાલમાં 3 ઈસમોની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
અત્યાર સુધીમાં 6 યુવકોના શંકાસ્પદ મોત
રિપોર્ટ્સ મુજબ, મહુધા રોડ પર આવેલા બિલોદરા ગામમાં દેવદિવાળીએ રાત્રે માંડવીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના તથા અન્ય ગામના લોકો પણ આવ્યા હતા. દરમિયાન ગામના 3 યુવકોએ રાત્રે શંકાસ્પદ પીણું પીધું હતું. આ બાદ તેમની તબિયત લથડતા 3 યુવકોના મોત થઈ ગયા હતા. જ્યારે બાજુના બગડુ ગામના પણ 2 યુવકોના મોત થયા હતા. ત્યારે આજે વધુ એક યુવકનું મોત થતા અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત થઈ ચૂક્યા છે.
પરસેવો વળ્યો અને મોઢામાંથી ફીણ નીકળ્યા
મૃતકના પરિજનના કહેવા મુજબ, તેઓ ઘરે આવ્યા અને માથામાં દુખાવો થયો, પરેશેવો વળી ગયો, અને ત્યાર બાદ મોંમાંથી ફીણ આવી ગયું હતું. દવાખાને લઈ ગયા તો ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા. ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરવાનું કહેતા કેસ કરવાનું જણાવ્યું હતું.
મૃતકો પાસેથી આયુર્વેદિક સિરપની બોટલો મળી
તો મૃતકો પાસેથી આયુર્વેદિક સિરપ જેવી ખાલી બોટલો મળી આવી હતી. જેના આધારે પોલીસે 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ 3 ઈસમોમાંથી એક બિલોદરા ગામનો જ વ્યક્તિ છે, જે કરિયાણાની દુકાન ધરાવે છે, તો અન્ય વ્યક્તિ અમદાવાદનો છે જે આ સીરપ સપ્લાય કરતો હતો અને એક વચેટિયો વ્યક્તિ નડિયાદનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
(હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT