મોતની સીરપ: 50થી વધુ લોકોએ પીધી હતી આયુર્વેદિક દવા, 5 યુવકોના મોત પર પોલીસે કર્યો મોટો ખુલાસો

Kheda News: ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આયુર્વેદિક કફ સીરપના સેવન બાદ યુવાનોને પરસેવો અને મોઢામાંથી ફીણ નીકળવાની ઘટના બની હતી. એક બાદ એક 5 યુવકોના…

gujarattak
follow google news

Kheda News: ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આયુર્વેદિક કફ સીરપના સેવન બાદ યુવાનોને પરસેવો અને મોઢામાંથી ફીણ નીકળવાની ઘટના બની હતી. એક બાદ એક 5 યુવકોના મોત થયા બાદ હડકંપ મચી ગયો. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરીને 3 લોકોની અટકાયત કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરીને યુવકોના મોત પર ખુલાસો કર્યો હતો.

પોલીસે સ્વીકાર્યું 3 લોકોના સીરપ પીવાથી મોત થયા

DGP વિકાસ સહાયે 5 યુવકોના મોત મામલે જણાવ્યું કે, ખેડા વિસ્તારમાં 5 લોકોના દુ:ખદ મોત થયા છે. રેન્જ પોલીસ અને SMC તપાસ કરે છે. પ્રાથમિક માહિતી મુજબ આયુર્વેદિક દવા એક વ્યક્તિ વેચતો હતો. આ પીવાથી ત્રણ લોકોના મોત થયા છે. બીજા બે લોકો આવી કોઈ દવા લીધી નથી. હજુ તપાસ ચાલુ છે. પ્રાથમિક રીતે આયુર્વેદિક સીરપ મેન્યુફેક્ચરિંગમાં કોઈ સમસ્યા હોવાના કારણે થયું હશે. 50થી વધુ લોકોને દવા આપી હતી બધાની તપાસ કરી છે, બધાની તબિયત સારી છે. એક કેસમાં પોલીસે ફુડ એન્ડ ડ્રગ વિભાગની મંજુરી માંગી હતી. એમાં પત્ર અમને મળ્યો હતો કે 12% કરતા ઓછું આલ્કોહોલ હોઇ શકે છે. સીરપ મુદ્દે ઉંડાણથી પૂછપરછ થઈ રહી છે. એના પછી આખી વ્યવસ્થા શું છે એ ચકાસણી કરીશું. તપાસ પછી પગલાં લેશું.

પરસેવો વળ્યો અને મોઢામાંથી ફીણ નીકળ્યા

મૃતકના પરિજનના કહેવા મુજબ, તેઓ ઘરે આવ્યા અને માથામાં દુખાવો થયો, પરેશેવો વળી ગયો, અને ત્યાર બાદ મોંમાંથી ફીણ આવી ગયું હતું. દવાખાને લઈ ગયા તો ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા. ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરવાનું કહેતા કેસ કરવાનું જણાવ્યું હતું.

મૃતકો પાસેથી આયુર્વેદિક સિરપની બોટલો મળી

તો મૃતકો પાસેથી આયુર્વેદિક સિરપ જેવી ખાલી બોટલો મળી આવી હતી. જેના આધારે પોલીસે 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ 3 ઈસમોમાંથી એક બિલોદરા ગામનો જ વ્યક્તિ છે, જે કરિયાણાની દુકાન ધરાવે છે, તો અન્ય વ્યક્તિ અમદાવાદનો છે જે આ સીરપ સપ્લાય કરતો હતો અને એક વચેટિયો વ્યક્તિ નડિયાદનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

(હેતાલી શાહ-ખેડા, દુર્ગેશ મહેતા-ગાંધીનગર)

    follow whatsapp