Hanuman Gala Temple : ખાંભા નજીક ગીરના જંગલમાં આવેલા અતિ પૌરાણિક અને પ્રસિદ્ધ હનુમાન ગાળા મંદિર આશ્રમને બંધ કરવાની વનવિભાગની તૈયારી સામે શ્રદ્ધાળુઓ ભારે રોષે ભભૂક્યો હતો. હનુમાન ગાળાના પૂજારીને રવિવાર સુધીમાં જગ્યા ખાલી કરી આપવાની RFOએ તાકિદ કરાઈ હતી. ત્યારબાદથી જ આ મંદિર સાથે જોડાયેલા અનેક શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળ્યો હતો. ખાંભામાં વેપારીઓએ તમામ દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખી મહારેલી યોજી હતી. આ તમામની સાથે અંબરીશ ડેર પણ જોડાયા હતા. ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જોકે બાદમાં વનવિભાગે ચોખવટ કરવી પડી છે. વન વિભાગે જણાવ્યું છે કે હનુમાન ગાળા બંદ કરવાની કોઈ નોટિસ અથવા સૂચના આપવામાં આવી નથી. સવારથી સાંજ સુધી યાત્રિકો જઈ શકશે. અહીં રાત્રિ રોકાણ કરવાની મનાઈ છે. ત્યારે અંબરીશ ડેર અને હીરા સોલંકીના નિવેદનો પણ સામે આવ્યા છે.
ADVERTISEMENT
હનુમાન ગાળા ઉત્કર્ષ સમિતિના અગ્રણી રમેશ બોધરાએ ખાંભા RFO રાજલ પાઠક દ્વારા હનુમાન ગાળા મંદિર બંધ કરાવવાની હિલચાલ હોવાનું જણાવ્યું હતું. આ નિર્ણયનો વિરોધ કરવા માટે બધા ખાંભા APMC નજીક એકત્ર થયા હતા. વેપારીઓ, શ્રદ્ધાળુઓએ શહેરની તમામ દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખીને વરસતા વરસાદ વચ્ચે રેલી યોજી હતી. આ રેલીમાં ભાજપના નેતા અંબરીશ ડેર અને ધારાસભ્ય જે.વી. કાકડીયા પણ જોડાયા હતા.
આ દરમિયાન અંબરીશ ડેર અને જે.વી. કાકડીયાએ શ્રદ્ધાળુઓની લાગણીઓને વનમંત્રી સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. આ સાથે અંબરીશ ડેરે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સુધી જવાની તૈયારી હોવાનું પણ જણાવ્યું હતું. અંબરીશ ડેરે જણાવ્યું હતું કે, આ દરમિયાન રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મુળુ બેરા સાથે ટેલિફોનિક સંવાદ કરી યોગ્ય કાર્યવાહી અંગે સૂચન કર્યું.
રાત્રિ રોકાણ કરવા દેવામાં આવે તેવી લોકોની માંગ : અંબરીશ ડેર
ગુજરાત તક સાથે વાતચીત કરતા અંબરીશ ડેરે કહ્યું કે, હનુમાન ગાળા ખાંભા પંથકમાં ખુબ જ શ્રદ્ધા ધરાવતું મંદિર છે. વર્ષોથી અસંખ્ય લોકો અને શ્રદ્ધાળુઓ ત્યાં દર્શને આવે છે. લોકો લોટની માનતા અને થાળ કરવા માટે આવે છે. સાથો સાથ સ્થાનિક લોકો અને માલધારીઓમાં પણ આ હનુમાનજી પ્રત્યે ખુબ આસ્થા છે. આ સૌ સારા કાર્ય પહેલા દર્શન કરે છે અને હનુમાનજીની મંજૂરી લેતા હોય છે. હાલ વનવિભાગ દ્વારા દિવસે દર્શન માટે મંદિરે જઈ શકાશે પરંતુ રાત્રિ રોકાણ નહીં કરવા દેવામાં આવે તેવી વાત કરાઈ હતી. મંદિર બંધ કરવાની વાત ધ્યાને નથી આવી. ત્યારે હવે લોકોની માંગ રાત્રિ રોકાણ માટે છે. તેની પાછળનું કારણ એ છે કે બીજા દિવસે કોઈ કાર્યક્રમ રાખવાનો હોય તો તેના આગળના દિવસે ત્યાં પહોંચને વ્યવસ્થા માટે જવાનું થતું હોય છે. તેમ છતા આવનાર 14 તારીખ સુધીમાં જગ્યા ખાલી કરીને જતા રહેજો તેવું કહેવું છે. જેના વિરોધમાં સમગ્ર ખાંભા શહેર બંધ રહ્યું હતું. અસંખ્ય લોકો વરસતા વરસાદે પણ અહીં આવ્યા હતા.
હમણા કોઈ કાર્યવાહી કરવાની નથી : હીરા સોલંકી
તો બીજી તરફ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું કે, હનુમાન ગાળા સમગ્ર વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર છે. આખાય વિષય પર લોકોમાં ચર્ચા હતી. કે હનુમાન ગાળા ખાલી કરવામાં આવશે, ખાલી કરવા માટે ખુબ પ્રેશર થઈ રહ્યું છે. પરંતુ મારી વન મંત્રી મુળુભાઈ બેરા સાથે વાત થઈ. તેમણે આ અંગે વન વિભાગને સૂચના પણ આપેલી છે. હમણા કોઈ કાર્યવાહી કરવાની નથી. આપ સૌ ખાંભા પરિવાર અને હનુમાન ગાળા ભક્તજનોને વિનંતી છે બીજુ કંઈ છે નહીં. કોઈ ખાલી નહીં કરાવે, શ્રદ્ધાળુઓ સહકાર આપે સરકાર પણ સહયોય આપશે.
વનવિભાગે શું કહ્યું?
વનવિભાગ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, હનુમાન ગાળાએ ધામ આસ્થાનું સ્થળ છે, જે ગીરના જંગલમાં આવેલ છે. હનુમાન ગાળાની 3.5 કિલો મીટરના આસપાસ સિંહ અને દીપડાઓ જેવા વન્યપ્રાણીઓનો કાયમી વસવાટ છે. જેથી લોકો અને પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ ન થાય તે માટે સુર્યોદયથી સુર્યાસ્ત સુધી દર્શન માટે મંજૂરી છે, પરંતુ રાત્રિના સમયે કોઈ પણ દર્શનાર્થીને ગાળા ક્ષેત્રમાં જવાની અથવા રોકાણ કરવાની મંજૂરી નથી.
વનવિભાગના જણાવ્યા મુજબ,હનુમાન ગાળાની જગ્યા બંધ કરવામાં આવી રહી છે તેમજ હવે પછી કોઈ પણ દર્શનાર્થીઓને હનુમાન ગાળામાં દર્શન કરવા જવા દેવામાં નહિ આવે તે વાતને લઈને મોટી ગેર સમજણ ઉભી થઇ છે.હનુમાન ગાળા બંદ કરવાની કોઈ નોટિસ અથવા સૂચના આપવામાં આવી નથી.તેમ જણાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT