અમદાવાદ : ચીન સહિતના કેટલાંક દેશોમાં કોરોનાં વધતા કેસોની વચ્ચે ગુજરાત સરકાર ખુબ જ સતર્ક છે. જાહેર કાર્યક્રમોમાં પણ ખુબ જ સતર્કતા રાખવામાં આવી રહી છે. આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ પણ મુખ્યમંત્રીના હસ્તે થઇ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી સહિત અને ગણમાન્ય હસ્તીઓ હાજર છે. કાંકરિયા કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી છે. જો કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા કોરોનાના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવ્યો
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલમાં આવનારા લોકોને માસ્ક અપાઇ રહ્યા છે. માસ્ક વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશે નહી તેની તકેદારી રાખવામાં આવી રહી છે. અંદર જનારા લોકોને ખાસ મશીન દ્વારા સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યા છે. કાંકરિયા કાર્નિવલમાં 100 જેટલા વોલેન્ટીયર પણ રખાયા છે. આ લોકો નાગરિકો પાસે કોરોનાના નિયમોનું પાલન કરાવશે. ઉપરાંત લોકો માસ્ક ઉતારી ન દે તેની પણ તકેદારી રાખશે.
ગુજરાતના અનેક ખ્યાતનામ કલાકારો પર્ફોમન્સ આપશે
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર. ખરસાણાના અનુસાર 25મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન કરાયું છે. 25 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાર્નિવલનું ઉદ્ઘાટન કરાશે. કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ રહેશે. રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ, આદિત્ય ગઢવી સહિત ગુજરાતના તમામ ખ્યાતનામ કલાકારો આ કાર્યક્રમમાં હાજર રહેશે. રાત્રે 10 વાગ્યે લેસર શોનું પણ આયોજન થશે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલવાનની વ્યવસ્થા કરાઇ છે.
નાગરિકોની સુરક્ષા હેતુસર અલગ અલગ સ્થળ પર સીસીટીવીનો સજ્જડ બંદોબસ્ત
નાગરિકોની સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યા ઉપર સમગ્ર કાંકરિયા પરિસરમાં સીસીટીવી કેમેરા પર પોલીસ અને ખાનગી સિક્યુરિટી એજન્સી દ્વારા સતત નજર રખાઇ રહી છે. આ ઉપરાંત પોલીસ કંટ્રોલ રૂમ પણ ઉભો કરાયો છે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન સરેરાશ 25 લાખથી વધુ લોકો સ્થળની મુલાકાત લેશે તેવો અંદાજ કોર્પોરેશને લગાવ્યો છે.
નાના બાળકોના મનોરંજન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી
નાના બાળકો મનોરંજન માણી શકે તેના માટે બાળનગરી પણ ઊભી કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું પણ આયોજન કરાયું છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2022ની ઉજવણી થશે. “આઝાદી કા અમૃત મહોત્સવ” થીમ પર કાંકરિયા કાર્નિવલ યોજાઈ રહ્યો છે. 31 ડિસેમ્બરે એટલે કે છેલ્લા દિવસે “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ પર 15 રાજ્યોના કલાકારો પરફોર્મન્સ કરશે.
ADVERTISEMENT