આમીર ખાનના પુત્રની ફિલ્મ 'મહારાજ' પર ગુજરાત હાઈકોર્ટે લગાવ્યો સ્ટે, જાણો મામલો

બોલિવૂડ એક્ટર આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ 'મહારાજ'ના રિલીઝ કરવા પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. મહારાજ આજે (14 જૂન) OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી.

maharaj film

ફિલ્મ મહારાજ

follow google news

બોલિવૂડ એક્ટર આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ 'મહારાજ'ના રિલીઝ કરવા પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. મહારાજ 14 જૂને OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી.  ફિલ્મ 'મહારાજ' 'લીબેલ કેસ 1862' પર ફિલ્મ આધારિત છે. જોકે આ ફિલ્મનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. ગુજરાતમાં કૃષ્ણ ભકતો અને વલ્લભાચાર્યજીના અનુયાયીઓ તરફથી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ ફિલ્મ 'મહારાજ' પર ગુજરાતમાં હંગામી ધોરણે સ્ટે મુકાયો છે.

ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાતમાં હંગામી સ્ટે

ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયનાં વિવાદીત ચિત્રણનો આરોપ લાગ્યો છે. ફિલ્મ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી હોવાનો દાવો છે. વૈષ્ણવ સંપ્રદાયને લઇને વિવાદીત ટિપ્પણીઓ અને હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડતી બાબતો વર્ણાયેલી હોવાનો દાવા સાથે આ ફિલ્મ પર સ્ટે મુકી દેવાયો છે. આરોપ છે કે, ફિલ્મ જાહેર વ્યવસ્થાને બગાડી શકે છે અને તેમના સમુદાયો અને હિન્દુ ધર્મ વિરૂદ્ધ હિંસા ભડકાવી શકે છે.

ગુજરાત હાઇકોર્ટે ફિલ્મ પક્ષકારોને ફટકારી નોટીસ

ફિલ્મ 'મહારાજ' પર ગુજરાત હાઇકોર્ટે પક્ષકારોને નોટીસ પાઠવી છે. 18 જૂન સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટે આદેશ આપ્યો છે.  જણાવી દઈએ કે, વૈષ્ણવ સંપ્રદાયે અગાઉ પણ રજૂઆત કરી હતી પરંતુ એક્શન ન લેવાયા હોવાનો દાવો કરાયો છે.

ફિલ્મમાં દેવી-દેવતાનું અપમાન સહન નહીં થાય : શંકરાચાર્ય

મહારાજ ફિલ્મ પર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ રાજકોટમાં યોજાયેલા સંત સંમેલનમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે "ફિલ્મમાં દેવી-દેવતાનું અપમાન સહન નહીં થાય, મહારાજ ફિલ્મમાં અશોભનિય અભિનય કરવામાં આવ્યો છે આ સાથે અભિનય બતાવીને દેવી-દેવતાઓનું કોઈ અપમાન કરી શકે નહીં.એક્ટર અને ડિરેક્ટર હંમેશા આ વાતનું ધ્યાન રાખે."

ફિલ્મનું ટ્રેલર રિલીઝ નથી કરાયું

ભગવાન કૃષ્ણ અને વલ્લભાચાર્યના ભક્તોએ આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવાયું હતું કે આ ફિલ્મ મહારાજ 1862ના લાયબલ કેસ પર આધારિત છે, જેની જાહેર વ્યવસ્થા પર નકારાત્મક અસર પડે છે. તે એમ પણ કહે છે કે આ ફિલ્મ હિંદુ ધર્મને પણ ઠેસ પહોંચાડે છે. આ સાથે ન તો ફિલ્મનું કોઈ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, ન તો કોઈ પ્રમોશનલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી સ્ટોરીલાઈન વિશે માહિતી મેળવી શકાય. જો આ ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવે તો લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.

અરજદાર તરફથી એવી પણ દલીલ કરવામાં આવી છે કે તેણે માહિતી અને પ્રસારણ મંત્રાલયને ફિલ્મની રિલીઝને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. જો કે હજુ સુધી તેમના તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

કયા વિષય પર બની છે મહારાજ?

નિર્માતાઓના અનુસાર, મહારાજ આઝાદી પહેલાના ભારત અને 1862ના મહારાજ લિબેલ કેસ પર આધારિત છે, જે એક ઉચ્ચ વ્યક્તિ દ્વારા ગેરવર્તણૂકના આક્ષેપોથી ભડક્યો હતો. ફિલ્મમાં જુનૈદ ખાનને એક વૈષ્ણવ પત્રકાર કરસન દાસ મુલજીનું પાત્ર ભજવ્યું છે જે વિસ્તારના સૌથી મોટા મઠના મહારાજને તેમની કરતૂતોને લઈને કોર્ટમાં ઢસડી જાય છે.

આ ઓટીટી ફિલ્મમાં જુનૈદ ખાન સિવાય જયદીપ અહલાવત, શાલિની પાંડે અને શારવરી પણ મહત્વની ભૂમિકાઓમાં છે. ફિલ્મનું ડાયરેક્શન સિદ્ધાર્થી પી મલ્હોત્રાએ કર્યું છે.

ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની ઉઠી માંગ

સોશિયલ મીડિયા પર કાલથી જ Boycott Netflix ટ્રેન્ડ કરી રહ્યું છે. યૂઝર્સ મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી રહ્યા છે. યૂઝર્સનું કહેવું છે કે, આ ફિલ્મ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. લોકોનો દાવો છે કે, નેટફ્લિક્સ હિન્દૂ વિરોધી કન્ટેન્ટને પ્રોત્સાહન આપી રહ્યું છે. એક યૂઝરે લખ્યું- મહારાજના પોસ્ટરમાં એક તરફ તિલકધારી, શિખાધારી વ્યક્તિ બતાવાયો છે, બીજી તરફ એક તેજ-તર્રાર યુવક છે, હંમેશાની જેમ આ વખતે પણ હિન્દુ વિરોધી વેબ-સીરીઝ બની રહી છે.

આ વચ્ચે, સુપ્રીમ કોર્ટે અન્નૂ કપૂરની ફિલ્મ હમારે બારહની રિલીઝ પર પણ રોક લગાવી દીધી હતી. કોર્ટનું કહેવું છે કે, ફિલ્મ ઇસ્લામી આસ્થા અને વિવાહિત મુસ્લિમ મહિલાઓ માટે અપમાનજનક છે. 

    follow whatsapp