'હું રાજુમાંથી રફીક બનવાનો છું...', ગણેશ ગોંડલ કેસમાં પીડિતના પિતાએ ઉચ્ચારી ચીમકી

થોડા દિવસ પહેલા વિસાવદરના મોણપરી ખાતે દલિત જાતિ સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં રાજુ સોંલકીએ દલિત સમાજ પર થતા અત્યાચારોને લઈ આગામી 15 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં મુખ્યમંત્રી, રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવાની જાહેરાત કરી હતી.

Raju Solanki Junagadh

રાજુ સોલંકી (દલિત આગેવાન, જૂનાગઢ)

follow google news

Ganesh  Gondal Case :  ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ  ગોંડલ સામે એટ્રોસિટી અને અપહરણ સહિતની ફરિયાદ નોંધાઈ હતી. ગણેશ ગોંડલે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ગણેશ ગોંડલ સહિતના આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. પરંતુ સંજય સોલંકીના પિતા અને દલિત સમાજના આગેવાનો હજુ પણ આ મામલે આકરા પાણીએ છે.

15 ઓગસ્ટે મુખ્યમંત્રીને આપશે આવેદનપત્ર

થોડા દિવસ પહેલા વિસાવદરના મોણપરી ખાતે દલિત જાતિ સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં રાજુ સોંલકીએ દલિત સમાજ પર થતા અત્યાચારોને લઈ આગામી 15 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં મુખ્યમંત્રી, રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવાની જાહેરાત કરી હતી. તેમજ ગણેશ ગોંડલ કાંડ મામલે વહેલી તકે ન્યાય નહીં મળે તો દલિત સમાજના 150થી વધુ પરિવારો સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. જેને લઇ આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને આગેવાનો ધર્મ પરિવર્તન કરવા માટેના ફોર્મ લેવા પહોંચ્યા હતા.

'અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશું'

રાજુ સોલંકીએ કહ્યું હતું કે, આજે અમે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ધર્મ પરિવર્તન કરવા માટે ફોર્મ લેવા આવ્યા છીએ. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે 5000થી વધુ એસસી એસટી સમાજ પર અત્યાચાર થયા છે. જેને લઇ હિન્દુ ધર્મથી કંટાળી હું મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યો છું. અમારી જ્યારે પેટા જાતિ પૂછવામાં આવે ત્યારે હિન્દુ લખાવીએ છીએ. પરંતુ હિન્દુ હોવા છતાં પણ અમારા પર આ દેશમાં અત્યાચાર થઈ રહ્યા છે. ત્યારે આજે અમે 150 વધુ પરિવારો મુસ્લિમ ધર્મ અંગીકાર કરશું.

'હું રાજુમાંથી રફીક બનવાનો છું'

રાજુ સોલંકીએ વધુમાં કહ્યું હતું કે, ઉના કાંડને આઠ વર્ષ પુરા થયા બાદ પણ ઉના કાંડના પીડિતોને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી. ત્યારે ફરી નવું ગોંડલ ગણેશ કાંડ થયું છે. જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્યો જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્યો ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ મારા દીકરાનું અપહરણ કરી માનવ જાતને ન શોભે તેવા વીડિયો બનાવી બંદુકો બતાવી અપરણ કરી માર મારી મારા દીકરાને ફરી જુનાગઢ છોડી ગયા હતા. ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે કે તેમને લોકોનું રક્ષણ કરવું જોઈએ. ત્યારે આવનાર સમયમાં જો યોગ્ય ન્યાય નહીં મળે તો 150થી વધુ પરિવારો સાથે મેં નક્કી કર્યું છે કે હું રાજુમાંથી રફીક બનવાનો છું.

જણાવી દઈએ કે, ગણેશના માતા MLA ગીતાબાનું રાજીનામુ લેવાય તેવી માંગ છે. આ સાથે જયરાજસિંહને ભાજપમાંથી સસ્પેન્ડ કરીને તેની ધરપકડ કરવાની પણ માંગ છે અને ઉનાકાંડમાં થયેલા ખોટા કેસ પરત ખેંચવાની પણ માંગણી કરાઈ છે. આ સિવાય ગણેશને કડક સજા અપાવવાની પણ માંગ છે.

    follow whatsapp