Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મતદાનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતાના ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે. ગુજરાતમાં પણ ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. જોકે, કેટલીક બેઠકો પર ટિકિટને લઈ વિરોધ પણ થઈ રહ્યો છે. જૂનાગઢ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમા (Rajesh Chudasama)ને ફરી રિપીટ કર્યા છે. તો કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. આ વચ્ચે હવે વિમલ ચુડાસમા જૂથ એક્ટિવ થયું છે.
ADVERTISEMENT
જલ્પા ચુડાસમાને ટિકિટ આપવાની માંગ
સોશિયલ મીડિયા પર ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા (MLA Vimal Chudasama)ની પત્ની જલ્પા ચુડાસમાને ટિકિટ આપવા મેસેજ વાયરલ થયા છે. જલ્પા ચુડાસમા ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે.
સોશિયલ મીડિયા પર મેસેજ થયા વાયરલ
ભાજપે કોળી સમુદાયમાંથી રાજેશ ચુડાસમાને ટિકિટ આપ્યા બાદ હવે કોંગ્રેસમાંથી જલ્પા ચુડાસમાને ટિકિટ આપવાની માંગ ઉઠી છે. વિમલ ચુડાસમાના સમર્થકોએ કોંગ્રેસમાંથી જલ્પા ચુડાસમાને ટિકિટ આપવા મેસેજ વાયરલ કર્યા હોવાનું અનુમાન છે.
'...એક જ વિકલ્પ છે જલ્પાબેન ચુડાસમા'
સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરમાં જલ્પા ચુડાસમાની તસવીર જોવા મળી રહી છે. જેમાં લખેલું છે કે જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ પક્ષ માટે પ્રબળ ઉમેવાદ તરીકે માત્ર એક જ વિકલ્પ છે જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા. કારણ કે છેલ્લા 10 વર્ષથી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી વિકાસલક્ષી વિવિધ કાર્યો કરી સમગ્ર જિલ્લામાં સારુ એવું વર્ચસ્વ ઉભુ કરેલ છે.
કોંગ્રેસમાંથી માંગવામાં આવી છે ટિકિટ
જલ્પાબેન કે જેઓ હાલના સોમનાથના ધારાસભ્યના ધર્મપત્ની છે, ત્યારે હાલ લોકસભાની ચૂંટણી દરમિયાન જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાના તમામ સમાજના લોકોની માંગણી છે કે કોંગ્રેસ પક્ષને જૂનાગઢ સિટી ઉપર જીત મેળવવા માટે માત્ર એક જ વિકલ્પ છે જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા. ત્યારે હાલ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનો વિષય બની છે હવે કોંગ્રેસ જલ્પાબેનને ટિકિટ આપે છે કે નહીં તે જોવું રહ્યું...
ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ
ADVERTISEMENT