ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢમાં શનિવારે વરસેલા અનરાધાર વરસાદના કારણે શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પાણીના પ્રવાહમાં વાહનો, પ્રાણીઓ અને માણસો જે પણ આવ્યું બધું તણાઈ ગયું. ત્યારે શહેરમાં વરસાદના કારણે જાનહાનિ થતી ટાળવા જૂનાગઢ શહેર અને જિલ્લામાં લોકોને બિનજરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જૂનાગઢના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે.
ADVERTISEMENT
જાહેરનામામાં શું કહેવાયું?
જાહેરનામા મુજબ આગામી 24 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી આવશ્યક હોય તે સિવાય બિનજરૂરી રીતે લોકોના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં પણ લોકોને પશુઓ સાથે બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ સાથે જ જિલ્લાના પ્રવાસન સ્થળો, જંગલ, ડેમ સહિતના વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે.
સાંસદ અને ધારાસભ્ય લોકોની મદદે પહોંચ્યા
જૂનાગઢમાં વરસાદના કહેર વચ્ચે ફસાયેલા લોકોની હાલત પૂછવા અને મદદ કરવા સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરાડિયા અને શહેર પ્રમુખ પુનીત શર્મા પહોંચ્યા હતા. જૂનાગઢમાં તબાહીનું દ્રશ્ય એટલુ ભયાનક હતું કે તે લોકોની નજર હટી રહ્યું નથી. વરસાદ બંધ થતાં સાંસદ, ધારાસભ્ય સહિત તમામ આગેવાનો લોકોની મદદ માટે આવ્યા હતા અને તેમની હાલત પૂછી હતી. લોકોએ પોતાની સ્થિતિ જણાવતા કહ્યું કે, કેવી રીતે પાણીએ બધું ધોઈ નાખ્યું.
200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું
NDRF, ફાયર અને SDRFની ટીમે જૂનાગઢમાં અલગ-અલગ જગ્યાએ ફસાયેલા લોકોને બચાવ્યા હતા. મોતી બાગ પાસે ટ્યુશન ક્લાસમાં ભણતા 46 બાળકોને સુરક્ષિત રીતે બીજા માળેથી બહાર કાઢવામાં આવ્યા હતા. એ જ રીતે ગણેશ નગર, મધુરમ, મંગલધામ જેવા વિસ્તારોમાંથી 200 થી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. હજુ પણ ચાર ટીમો જૂનાગઢમાં હાજર છે, જે ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવી છે.
ADVERTISEMENT