‘ગરબીની મંજૂરી આપો નહીંતર ધર્મપરિવર્તન કરવા દો’, જૂનાગઢમાં 10 હિન્દુ પરિવારોએ કેમ ઉચ્ચારી ચીમકી?

Junagadh News: જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરનો વિવાદ ફરી છંછેડાયો છે. જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં વર્ષો જૂની ગરબીનો ચોક કબજામાં લઈને તેની આડશમાં પતરા ગોઠવી દેવાતા…

gujarattak
follow google news

Junagadh News: જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરનો વિવાદ ફરી છંછેડાયો છે. જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં વર્ષો જૂની ગરબીનો ચોક કબજામાં લઈને તેની આડશમાં પતરા ગોઠવી દેવાતા ગરબી આયોજકો ગુસ્સે ભરાયા છે. અને આ અંગે આમ આદમી પાર્ટી પ્રમુખ તુષાર સોજીત્રાની આગેવાનીમાં નાયબ કલેકટરને મળીને ગરબાનું આયોજન કરતા 10 પરિવારોએ આવેદન આપ્યું હતું કે,’આ ગરબીની જગ્યા ખુલી કરીને ગરબી કરવાની મંજુરી આપવી નહીં તો અમે દસ પરિવાર ધર્મ પરિવર્તન કરી લઈશું.’

ગરબી ચોકમાં પતરા હોવાથી આયોજનમાં સમસ્યા

શહેરના જવાહર રોડ સ્થિત ગરબી ચોકમાં 100 વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. જોકે આ જગ્યા પર સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ પતરાની આડશ મૂકી દીધી છે. અહીં બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને હવે 10 જેટલા હિન્દુ પરિવારોએ ધર્મ પરિવર્તન કરી લેવાની ચીમકી ઉચ્ચારી છે. સમગ્ર મામલે જૂનાગઢના કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

મંદિર સામે થયો છે લેન્ડ ગ્રેબિંગનો કેસ

સમગ્ર મામલે સ્વામિનારાયણ સંતો સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ અગાઉ કરવામાં આવેલો છે. જેનો કોર્પોરેશન અને સ્વામિનારાયણ મંદિર વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, વર્ષોથી થતી પરંપરાગત ગરબી અને નવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે અને હિન્દુ ધર્મના લોકોને જ જો અડચણ ઊભી કરતા હોય તો અમે ધર્મ પરિવર્તન કરવા મજબૂર બન્યા છીએ.

સ્વામિનારાયણ મંદિરના સંતે શું કહ્યું?

બીજી તરફ સ્વામિનારાયણ મંદિરના સંતનું કહેવું છે કે, અમે ગરબી માટે ના નથી પાડી. અમે ઉતારાનું મેદાન આપવા તૈયાર છીએ. ત્યાં લાઈટ અને આર્થિક સહયોગ પણ આપીશું. પરંતુ પોલીસ ચોપડે ચડેલા લોકો ખોટી જીદે ચડ્યા છે અને અહીંયા જ ગરબી કરવી છે. અહીં ગેટનું કામ ચાલી રહ્યું છે. લોકોએ કોર્ટમાં કેસ કરેલો છે, જે હાલ પેન્ડિંગમાં છે.

(ભાર્ગવી જોશી, જૂનાગઢ)

    follow whatsapp