ગુજરાતની ચોંકાવનારી ઘટના : આખે આખું ગામ બારોબાર વેચી માર્યું, ગામલોકો મહામુશ્કેલીમાં મૂકાયા

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના એક આખા ગામને બારોબાર ગેરકાયદેસર રીતે વેચી દેવાયું છે. વારસદારોએ આખું ગામ વેંચીને ગામ લોકોને રઝળતા કરી દીધા છે. જો કે, આ મામલાની જ્યારથી જાણ થઈ કે ત્યારથી ગ્રામજનો દોડતા થયા છે.

Juna Pahadiya Gam

જૂના પહાડિયા ગામ

follow google news

Juna Pahadiya Village Sold Out Scam : ગુજરાતમાં નકલી અધિકારી, નકલી શાળા, નકલી હોસ્પિટલ, નકલી સરકારી કચેરી, નકલી પોલીસ, નકલી બેંક, નકલી દૂધ, નકલી ઘી જેવી વિવિધ નકલી વસ્તુઓ સામે આવી ચૂકી છે. તો રાજ્યમાં અવનવી છેતરપિંડી અને કૌભાંડો બનતા હોય છે. તેવામાં હવે વિશ્વાસ ન આવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના એક આખા ગામને બારોબાર ગેરકાયદેસર રીતે વેચી દેવાયું છે. વારસદારોએ આખું ગામ વેંચીને ગામ લોકોને રઝળતા કરી દીધા છે. 

50 વર્ષ પહેલા બંધાયેલું ગામ બારોબાર વેચી માર્યું

વાત એમ છે કે, જૂના પહાડિયા ગામમાં 88 જેટલા પરિવારો વસે છે અને અંદાજિત 600 લોકોની વસ્તી છે. આજથી 50 વર્ષ પહેલા જૂના પહાડિયા ગામ સર્વે નંબર 142 (જૂનો સર્વે નંબર 6) પર વસ્યું હતું. જે તે સમયે આ જમીનના માલિકે અમૂક રમક લઈને ગામનો વસવાડ કરવાની મંજૂરી આપેલ હતી. ત્યારબાદ આ જમીન પર ગામ બંધાયું હતું.  પરંતુ હવે આ ગામના લોકોના પગ નીચેથી જમીન ગાયબ થઈ ગઈ છે. કારણ કે, 50 વર્ષ બાદ જમીન માલિકના વારસદારોએ આ ગામની જમીનનો બારોબાર સોદો અન્ય વ્યક્તિને કરી દીધો છે. એટલું જ નહીં ગત 23 જૂનના રોજ ગામના દસ્તાવેજ પણ કરી દેવાયા છે. જેને લઈને હવે ગામલોકો ઘર જ નહીં પરંતુ ગામ વિહોણા બન્યા છે. જણાવી દઈએ કે, આ ગામના લોકો સરકારની જુદી જુદી યોજનાનો લાભ પણ મેળવી રહ્યા છે. સુજાના મુવાડા પહાડિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જુના પહાડિયા ગામ આવે છે.

7/12ના ઉતારામાં નામ હોવાનો લીધો ગેરલાભ

તો આ ઘટના સામે આવ્યા બાદ દહેગામ મામલતદાર સહિત તંત્ર એક્શનમાં આવ્યું છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ત્યારે ગામ વેચી દેનારા શખ્સોનું 7/12ના ઉતારામાં નામ બોલતું હતું જેનો ગેરલાભ લીધો હોવાનું સામે આવ્યું છે.  

'ગામલોકોએ જમીન 50ના સ્ટેમ્પ પર કરાર કરીને વેચાણ રાખી હતી'

જૂથ ગ્રામ પંચાયત પહાડીયા સુજના મુવાડા સરપંચ શ્રવણસિંહ ઝાલા કહે છે કે, જૂના પહાડિયા ગામના બ્લોક સર્વે નંબર 142 (જૂનો સર્વે નંબર 6) હે.આરે. ચોરસ મીટર 1-45-97 વાળી જમીન 1982, 1987 તથા 2003ના વર્ષમાં સ્ટેમ્પ પેપર તથા સાદા લખાણથી બાનાખત કરીને તેમજ 50ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી કરારથી હાલમાં વસવાટ કરતા અરજદારોએ વેચાણ રાખી હતી. આ સર્વે નંબર પર જ આખે આખું ગામ વસેલું છે જે જૂના પહાડિયા તરીકે ઓળખાય છે. આ ગામ પહાડિયા સુજાના મુવાડા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ છે.

કેવી રીતે સમગ્ર મામલો સામે આવ્યો?

નોંધનીય છે કે, વેચાણ દસ્તાવેજના આધારે રેકોર્ડમાં કાચી નોંધ પડતા આ ગામ વેચી દેવાનો ભાંડો ફૂટી ગયો હતો. ત્યારે અહીં 50થી વધુ વર્ષથી વસવાટ કરતા ગ્રામજનો હાલ ચિંતામાં મૂકાયા છે. હવે ગ્રામજનોના માથે જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિનો ઘાટ સર્જાયો છે. 

અધિકારીઓની મીલીભગતથી થયો આ દસ્તાવેજ : ગામલોકો

ગામલોકો હાલ સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ગામલોકોનો આક્ષેપ છે કે, ખોટા ફોટા, ખોટા આંકડા અને નકશા દ્વારા અધિકારીઓની મીલીભગતથી આ દસ્તાવેજ થયો છે. આ દસ્તાવેજ ખોટો હોવાથી રદ કરવાની અને તપાસની ગ્રામજનો માગ કરી રહ્યાં છે. સમગ્ર મામલો બહાર આવતા ગ્રામજનો મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ન્યાયની માગ કરી છે. ગ્રામજનોએ વાંધા અરજી રજૂ કરીને ગ્રામજનો ઘર વિહોણા ના બને તે માટે રેકોર્ડમાં પહેલી વેચાણ નોંધને ડિસ્પુટમાં દાખલ કરીને તાત્કાલિક ન્યાય અપાવવા પણ માંગ કરાઈ છે. 

'મકાનનો વેરો પણ ભરીએ છીએ'

ગ્રામજન દલપત ઝાલા કહે છેકે, ગામમાં રહેતા રહીશોની મિલકતની આકારણી પણ કરવામાં આવી છે.ગામમાં પાણીનો બોર પણ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો છે. તલાટી અને સરપંચ દ્વારા રહીશોને દાખલા પણ આપવામાં આવ્યા છે. મકાનોના વેરાઓ પણ ગ્રામજનો ભરી રહ્યાં છે. છતાં કેવી રીતે વેચાણ થયું તે પ્રશ્ન છે.

    follow whatsapp