જિગ્નેશ મેવાણીએ બિલકિસ બાનો મુદ્દો ઉઠાવ્યો, રાહુલ ગાંધી સહિત સમગ્ર કોંગ્રેસ રહ્યું ચુપ

અમદાવાદ : રાહુલ ગાંધી આજે ગુજરાત યાત્રાએ હતા. જેમાં તેમણે જાહેર જનસભા સંબોધિત કરી હતી. કોંગ્રેસના તમામ પદાધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર હતા. જો કે મંચસ્થ…

gujarattak
follow google news

અમદાવાદ : રાહુલ ગાંધી આજે ગુજરાત યાત્રાએ હતા. જેમાં તેમણે જાહેર જનસભા સંબોધિત કરી હતી. કોંગ્રેસના તમામ પદાધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર હતા. જો કે મંચસ્થ મહાનુભાવોમાં કોઇ પણ નેતાએ બિલકિસ બાનુમુદ્દે કાંઇ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. મુસ્લિમ વોટબેંક કોંગ્રેસની પરંપરાગત વોટબેંક માનવામાં આવે છે. જો કે હાલ કોંગ્રેસ રાજનીતિ અને સમય જોઇને આવા કોઇ પણ મુદ્દે બોલવાનું ટાળી રહી છે.

રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ આ મુદ્દાથી અંતર રાખ્યું
આજે રાહુલ ગાંધીની જાહેર સભામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. કાર્યક્રમની શરૂઆતમાં જ જિગ્નેશ મેવાણીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે બિલકિસ બાનુનો મુદ્દો ઉઠાવીને તેના આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જો કે ત્યાર બાદના કોઇ પણ નેતાએ આ બાબતને આગળ વધારવાનું ટાળ્યું હતું. ખુદ રાહુલ ગાંધીએ પણ બિલકિસના મુદ્દે મૌન સેવ્યું હતું. કોંગ્રેસનાં એક પણ આગેવાને આ મુદ્દો ઉઠાવ્યો નહોતો. જેથી આમઆદમી પાર્ટી બાદ કોંગ્રેસે પણ બિલકિસ મુદ્દે કંઇ પણ નહી બોલવાનું પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે. જો કોંગ્રેસનું આ જ સ્ટેન્ડ હોય તો કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મેવાણીએ જ પાર્ટી લાઇન તોડીને આ મુદ્દો ઉઠાવ્યો અને પાર્ટી શિસ્તનો ભંગ કર્યો તેમ કહી શકાય.

કોંગ્રેસનું જે થવું હોય તે થાય જિજ્ઞેશે પોતાની વોટબેંક અંકે કરી લીધી
અત્રે ઉલ્લેખનીય છે કે, જિગ્નેશ મેવાણીએ આ મુદ્દો ઉઠાવ્યો તેની પાછળનું પણ ચોક્કસ કારણ હોઇ શકે કારણ કે તેની પોતાની વડગામ સીટ પર 85 થી 90 હજાર મતદાતાઓ મુસ્લિમ છે. આ ઉપરાંત દલિત મત પણ મોટા પ્રમાણમાં છે. તેવામાં જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દો ઉઠાવીને પોતાની વોટબેંક અંકે કરી લીધી હતી. કોંગ્રેસને બિલકિસ બાનો મુદ્દે સ્ટેન્ડ લેવામાં નુકસાન દેખાઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં જિગ્નેશ મેવાણીએ સ્ટેન્ડ લઇને પોતાની સીટના એક ચોક્કસ મત અંકે કરી લીધા કોંગ્રેસનું હવે જે થવુ હોય તે થાય. જો કે રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ આ મુદ્દે મૌન પાળ્યું હતું. જો કે જિજ્ઞેશ મેવાણીએ બિલકિસના મુદ્દાને ઘરે ઘરે પહોંચાડવા માટે કોંગ્રેસના બુથ કાર્યકરોને પણ અપીલ કરી હતી.

    follow whatsapp