Morbi News: મોરબીના વાંકાનેર હાઈવે પર બોગસ ટોલનાકું ઝડપાયા બાદ ચારેકોર તેની જ ચર્ચા ચાલી રહી છે. આ મામલે પોલીસે સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલના દીકરા અમરશી પટેલ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ આદરી છે. વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીમાં નકલી ટોલનાકાને લઇ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ મામલે સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. જેરામ પટેલે જણાવ્યું છે કે, મારા દિકરા અમરશીનું આ કંપનીમાં કોઈ ઈન્વોલમેન્ટ નથી. આ કંપનીમાં તે નથી ડાયરેક્ટર કે નથી મેનેજિંગ ડિરેક્ટર. અમરશી મારી બીજી ફેક્ટરીમાં બેસે છે.’
ADVERTISEMENT
ફેક્ટરીને આપી હતી ભાડે
સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલે આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘આ બંધ ફેક્ટરી તો અમારા પરિવારની જ છે, પરંતુ અમે તેને ભાડા કરાર પર ભાડે આપી હતી. ભાડે આપ્યા બાદ તેમણે ત્યાં શું કર્યુ તે અમને કંઈ ખબર જ નથી.’
‘હું આ મામલે પોલીસને મળવા જવાનો છું’
તેમણે જણાવ્યું કે, અમારી ફેક્ટરી ખાલી હતી, તેમાં કોઈ મશીનરી પણ નહતી. જેથી તેને અમે ભાડે આપી હતી. ફેક્ટરીને ભાડે આપતી વખતે અમે 11 મહિનાનો ભાડા કરાર કર્યો હતો. જેમાં એવું કોઈ જ લખાણ નથી કે અહીંથી તમારે વાહન પસાર કરવા અને પૈસા ઉઘરાવવા. આ અંગેની અમને કોઈ જાણ પણ નહોતી. અમારે આ ફેક્ટરીની જરૂર હોવાથી અમે 10 મહિનામાં જ ભાડા કરાર રદ કરવા કહ્યું પણ હતું અને નોટિસ પણ આપી હતી. આજે હું આ મામલે પોલીસને મળવા જવાનો છું.
શું છે સમગ્ર મામલો?
મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકું ચાલતું હોવાના આરોપ સાથે વીડિયો વાઈરલ થયો હતો. વઘાસિયા ટોલ પ્લાઝા પર નિયમ મુજબ ટોલ ટેક્સ વસૂલાય છે, પરંતુ વાહન ચાલકોને આ ટેક્સ મોંઘો પડતો હોવાથી પાસે જ બાયપાસ બનાવીને બંધ વ્હાઈટ હાઉસ સિરામિક ફેક્ટરીને ભાડે રાખીને નકલી ટોલનાકું ઊભું કરી નાખવામાં આવ્યું હતું.જેમાં ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100 અને મોટા ટ્રકના 200 રૂપિયા વસૂલવામાં આવતા હતા.
બરોકટોક ધમધમી રહ્યું હતું નકલી ટોલનાકું
આ મામલે વઘાસિયા ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા સિરામિક યુનિટના માલિકોને નોટિસ મોકલવામાં આવી હતી. જોકે, આ મામલે કોઈ પગલા જ લેવામાં આવ્યા નહતા. જેના કારણે બેરોકટોક નકલી ટોલનાકું ધમધમી રહ્યું હતું. આરોપ છે કે વઘાસિયા ગામના જ નિવૃત્ત આર્મીમેન અને કેટલાક માથા ભારે લોકો દ્વારા આ ટોલનાકું ચલાવવામાં આવી રહ્યું હતું. સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલના દીકરા અમરશી પટેલ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ આદરી છે.
ADVERTISEMENT