રાજકોટ: શહેરમાં લાંચ લેતા પકડાયેલા અધિકારી જવરીમલ બિશ્નોઈના આપઘાત કેસમાં હવે નવો ચોંકાવનારો વળાંક આવ્યો છે. CBIની રેડ દરમિયાન ઓફિસના ચોથા માળેથી નીચે પટકાયેલા જવરીમલનું મોત નિપજ્યું હતું. ત્યારે મૃતક અધિકારીના દીકરાએ CBI પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. અધિકારીના દિકરા આદિત્ય બિશ્નોઈએ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો છે જેમાં CBIના અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધવા માટે માગણી કરી છે.
ADVERTISEMENT
‘તું તારા પિતાનું મોઢું ક્યારેય નહીં જોઈ શકે’
આદિત્ય બિશ્નોઈએ લખેલા પત્રમાં કહેવાયું છે કે, CBIના અધિકારીઓએ સર્ચ દરમિયાન તેને કહ્યું કે, ‘તું તારા પિતાનું મોઢું ક્યારેય નહીં જોઈ શકે, તારા પિતાએ મોટી રાજકીય વગ ધરાવતા વ્યક્તિ સાથે માથાકૂટ કરી છે એટલે પતાવવા પડશે.’ પત્રમાં આદિત્યએ CBI અધિકારીઓએ ઘરમાં ઘુસીને અસભ્ય વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે અને ઘરનું તાળું તોડીને અંદર પ્રવેશી રૂપિયા ભરેલો થેલો બહારથી લાવીને CBIના અધિકારીઓએ કોરા કાગળમાં સહી કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
જવરીમલ સાથે ઘરેથી CBIએ વાત કરી હતી
CBIના અધિકારીઓએ સ્પીકર ફોનમાં જવરીમલ સાથે વાત કરી હતી ત્યારે અધિકારીએ તેમના પરિવારને સમગ્ર મામલામાં વચ્ચે ન લાવવા આજીજી કરી હતી. આદિત્યએ દાવો કર્યો છે કે CBIએ સર્ચ ઓપરેશન દરમિયાન કહેલી વાતોનું પણ તેની પાસે ઓડિયો રેકોર્ડિંગ છે. હાલ તો જવરીમલ બિશ્નોઈના દિકરાએ CBIના અધિકારીઓ પર લગાવેલા આ આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે.
ADVERTISEMENT