જામનગરઃ જામનગરના સનસીટી સોસાયટી પાસે ગ્રામજનોએ અહીં મોરકંડા રોડ પર લૂંટ કરતી ગેંગના બે શખ્સોને પકડી પાડ્યા હોવાની બુમો પડી અને ત્યાં લોકોએ હાથમાં આવેલા બે શખ્સોને ઢીબી નાખ્યા હતા. બાદમાં તેમને થાંભલે બાંધી દેવાયા અને ત્યાં અર્ધનગ્ન અવસ્થામાં માર મારીને બંનેને પોલીસને સોંપી દીધા હતા.
ADVERTISEMENT
વીજળીના થાંભલે બાંધીને કરી પુછપરછ
જામનગરના મોરકંડા રોડ પર લૂંટ કરતી ગેંગ પકડાઈ છે તેવી માહિતી ગત રાત્રે મળતા ઘણા લોકોએ પકડાયેલા બે શખ્સોને ઢીબી નાખ્યા હતા. પ્રારંભીક ધોરણે વિગતો એવી સામે આવી હતી કે, સનસીટી સોસાયટી પાસેથી લોકોએ લૂંટ કરતી ગેંગના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. સ્થાનીક લોકોએ ટોળકીના બે શખ્સોને પકડીને મેથીપાક પણ આપ્યો હતો. તદઉપરાંત બંને વ્યક્તિને વીજળીના થાંભલા સાથે બાંધી અર્ધનગ્ન હાલતમાં તેમની લોકોએ પુછપરછ કરી હતી તથા તેમનો વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પોલીસની આગામી કાર્યવાહીથી ઘણા સવાલોના મળશે જવાબ
બંને વ્યક્તિઓને લોકોએ વાહન સાથે પકડ્યા હતા. તેઓ છરી જેવા ધારદાર હથિયારથી લૂંટ કરતા હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. માર માર્યા પછી અને વીડિયો ઉતાર્યા પછી સ્થાનીકોએ તે બંને શખ્સોને પકડીને પોલીસને સોંપી દીધા હતા. હવે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. શું ખરેખર લોકોએ પોલીસને ખરા લૂંટના આરોપી સોંપ્યા છે? કે પછી નિર્દોષોને ફટકારી પોતે કોઈ ગુનામાં ભાગીદાર બન્યા છે? તમામ સવાલોના જવાબ પોલીસની આગામી તપાસમાં મળે તેવી શક્યતાઓ છે. આ વીડિયો અને તેની તસવીરો ગુજરાત તક પાસે છે પરંતુ તેમાં દર્શાવાયેલી ક્રુરતાને કારણે તેને અહીં રજુ કરાયા નથી.
(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT