દર્શન ઠક્કર.જામનગરઃ જામનગર જીલ્લાના લાલપુરના મુરીલા ગામે પિતરાઈ ભાઈએ ભાઈ પર જ ફાયરિંગ કર્યાનો કિસ્સો લાલપુર પોલીસ મથકે નોંધાયો છે. ત્યારે ઇજાગ્રસ્તને હાલ જામનગર ની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે બંને વચ્ચે એવું તો શું થયું કે ભાઈ જ ભાઈના લોહીનો તરસ્યો થઈ ગયો. તે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીને દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
યુવાનોને બચાવવા MLA હીરા સોલંકીએ જીવ જોખમમાં મુકી દરિયામાં માર્યો ભુસ્કોઃ Video
આ બાબતે થઈ હતી બોલાચાલી
લાલપુર તાલુકાના મુરીલા ગામે વસવાટ કરતા ખીમા મેરામણભાઇ વસરા જેવો ખેતી તથા માલઢોરનું કામ કરે છે. તેના પર તેના જ પિતરાઈ ભાઈ કે જેમની સાથે તેઓને બોલવાનો વ્યવહાર નથી, તેણે ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે. આ અંગે ગ્રામ્ય DySPના જણાવ્યા મુજબ, ફાયરિંગ કરનાર આરોપી નારણના રહેણાંક મકાન પાસે ફરિયાદી ઈજાગ્રસ્ત ખીમાભાઇનો ભેંસો બાંધવાનો વાડો (પ્લોટ) આવેલો છે. આ વાડામાં ફરિયાદીના પત્ની તથા ઘરના સભ્યો ભેંસો દોવા માટે જતા હોય છે. જોકે તે દરમિયાન અવાર નવાર વાડાની દિવાલ પાસે ઊભા રહીને તેમાં આરોપી ડોકા કાઢતો હતો. જેથી ફરિયાદી તેને ગતરોજ જોઇ ગયા, ત્યારે તેમણે કહ્યું અમારા વાડાની દિવાલ પાસે ઉભા રહીને શું રોજ રોજ જુવે છે. એક વાર અહીં વાડાની અંદર આંટો મારીલે એટલે તારે રોજ રોજ જોવા આવવું ન પડે. તેમ કહેતા આરોપી ઉશ્કેરાયો હતો અને ઘરે જતો રહ્યો હતો. દરમિયાન ગઇકાલે આરોપી પોતાના ઘરેથી દેશી તમંચા જેવું હથિયાર લઇ આવીને ફરિયાદી ખીમાભાઇ પોતાના ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં સામે મળી જતા તમંચા જેવા હથિયારથી તેમને જાનથી મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કર્યુ હતું. આ વેળાએ ફરિયાદી ખીમાભાઇએ પોતાનો હાથ જમણા તરફ રાખતા હથિયારમાંથી છુટેલા છરા તેમને હાથની કોણીના નીચેના ભાગે પોચા ઉપર અને એક છરો ગળાના ભાગે લાગ્યો હતો. જેને લઈને ઇજાગ્રસ્તને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ સમગ્ર મામલે લાલપુર પોલીસે આર્મ્સ એક્ટ, હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT