જામનગર: ઘરે બેઠા ફિલ્મોને રેટિંગ આપીને રોજના 2500થી 5000 કમાવવાની લાલચમાં જામનગરના એક દંપતીએ રૂ.1.12 કરોડ ગુમાવવા પડ્યા છે. ઓનલાઈન ફ્રોડની સમગ્ર ઘટના મામલે સાબયર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેથી ભેજાબાજોને પોતાનો બેંક એકાઉન્ટ વાપરવા માટે આપનારા સુરતના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ઘરે બેઠા કામ શોધતું દંપતી ભેજાબાજોની જાળમાં ફસાયું
વિગતો મુજબ, જામનગરના દંપતીને ટેલિગ્રામમાં મેસેજ આવ્યો હતો કે ફિલ્મ રેટિંગ આપીને ઘરે બેઠા રોજના 2500થી 5000 રૂપિયા સુધી કમાણી કરો. દંપતી ઘરે બેઠા થઈ શકે એવું કામ શોધી રહ્યું હોવાથી તેમણે મેસેજ મોકલનારનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેમને એક વેબસાઈડ પર સાઈન ઈન કરીને પાસવર્ડ નાખવા માટે કહેવાયું અને બાદમાં ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા. ફિલ્મને રેટિંગ આપવા પહેલા તેને જોઈ છે તે સાબિત કરવા દંપતીને ટિકિટ ખરીદવા માટે કહેવાયું. આમ તેમની પાસેથી હોલિવૂડ, બોલિવૂડ તથા સાઉથની ફિલ્મોની 28 જેટલી ટિકિટ ખરીદાવી. ફિલ્મના રેટિંગ માટે કમિશન 2500થી 5000 સુધીનું હતું. આથી દંપતીએ ટિકિટ ખરીદી.
કેવી રીતે ધીમે ધીમે કરીને પૈસા પડાવ્યા?
શરૂઆતમાં ભેજાબાજોએ વિશ્વાસ કેળવવા માટે ટિકિટ ખરીદવા પર રૂ.10 હજારની કૂપનો મોકલી અને બાદમાં કમિશન સહિત રૂ.99 હજાર દંપતીના ખાતામાં જમા થયા. આ રીતે વિશ્વાસ કેળવીને તેમને વધુ ટિકિટ ખરીદવા માટે કહેવાયું. આ રકમ બાદમાં 5 લાખ સુધી પહોંચી ગઈ. પછી તેઓ પૈસા ઉપાડવા ગયા તો તેમને આટલી જ રકમની ટિકિટ ખરીદવા માટે કહેવાયું. આમ પોતાના જ પૈસા પાછા મેળવવા વધુ રોકાણ કરાવી મહિલાએ 40 લાખ ગુમાવી દીધા. જ્યારે તેણે 40 લાખ પાછા ઉપાડવાનો પ્રયાસ કર્યો તો ભેજાબાજોએ સરચાર્જ ચૂકવવાનું કહીને વધુ પૈસા ભરાવ્યા અને રકમ 70 લાખે પહોંચી પછી આટલા બધા પૈસા સાથે ઉપાડશો તો મની લોન્ડરિંગનો કેસ લાગશે તેવો ડર બતાવી પૈસા બીજી સ્કીમમાં લગાવી દેવા કહ્યું.
દંપતીએ 1.12 કરોડ ગુમાવ્યા
આ બાદમાં દંપતીને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થયો પરંતુ ત્યાં સુધીમાં તેમણે 1.12 કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. સમગ્ર મામલે તેમણે આખરે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલમાં સુરતથી એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે આ ભેજાબાજોને પોતાનું એકાઉન્ટ વાપરવા આપ્યું હતું અને તેમની પાસેથી કમિશન મેળવ્યું હતું. હાલમાં મુખ્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે.
ADVERTISEMENT