દર્શન ઠક્કર.જામનગરઃ ‘અમે રહી ગયા, અમે પેલી બાજુ ભાગી ગયા એમાં બચી ગયા, હજુ મારો ભાઈ, મારા ભાભી, મારા ભાઈનો દિકરો અને મારા પિતા હજુ પણ અંદર છે.’ જામનગરમાં સાધના કોલોનીમાં હાઉસીંગ બોર્ડની બિલ્ડીંગ પડી જતા પોતાના સ્વજનો માટે ચિંતિત થઈ રહેલી એક મહિલાના શબ્દો અહીં લગભગ તમામ પીડિતોના જોવા મળી રહ્યા છે. કોઈનો ભાઈ તો કોઈના ભાભી, કોઈના બાળકો તો કોઈના માતા-પિતા બિલ્ડીંગ પડી જતા અંદર જ રહી ગયા હોવાની વાતો તેમના થકી સાંભળવા મળી રહી છે. હજુ કાટમાળ હટ્યા પછી આ ઘટના વધુ કરુણ દ્રશ્યો ના સર્જે તેવી સતત લોકો પ્રાથના કરી રહ્યા છે. તાબડતોબ કાટમાળ હટાવવાની અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ ચાલી રહી છે.
ADVERTISEMENT
જામનગરમાં ત્રણ માળનો બ્લોક ધરાશાયી,10 જેટલા લોકો ફસાયા હોવાની શક્યતા
સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયેલા છે. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જામવા મળ્યું છે. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે. ત્યારે રાજ્યમાં જર્જરિત બિલ્ડિંગ હવે મોટી સમસ્યા બની રહી છે. ત્યારે આ અકસ્માતને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં બેથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. બચાવકાર્ય પૂર્ણ થયા બાદ જ જાનમાલની નુકશાની અંગેનો ખ્યાલ આવશે. આ બિલ્ડીંગમાં છ મકાનમાં લોકો રહેતા હતા.
જામનગરની સાધના કોલોનીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં કાટમાળમાં કેટલાક લોકો દટાયા હોવાની સંભાવના છે. જેથી હાલ જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઘટનાસ્થળ પર 5થી વધુ 108 તૈયાર રાખવામાં આવી છે. ત્યારે હાલ અકસ્માતને પગલે મૃત્યુના કોઈ સમાચાર નથી.
ADVERTISEMENT