દર્શન ઠક્કર/જામનગર: જામનગરમાં શુક્રવારે હાઉસિંગ બોર્ડની ઈમારત પડી જવાની ઘટનામાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. 25 વર્ષ જૂની જર્જરિત બિલ્ડીંગમાં M-69 બ્લોક ધડાકાભેર તૂટી પડ્યો હતો, જેમાં એક જ પરિવારના લોકોના મોત થયા હતા, ત્યારે આજે જામનગરમાં એક સાથે 3-3 મૃતકોની અંતિમ યાત્રા નીકળતા ગમગીની છવાઈ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા.
ADVERTISEMENT
સાધના કોલોની વિસ્તારમાં 3 માળના જર્જરિત ફ્લેટ ધરાશાયી થતા 35 વર્ષની મહિલા મિતલ જયપાલ સાદિયા, 35 વર્ષીય જયપાલ રાજેશભાઈ સાદિયા અને 4 વર્ષીય શિવરાજ જયપાલ સાદિયાનું મોત થયું હતું. ત્યારે આજે ત્રણેયની અંતિમ યાત્રા નીકળી હતી અને તેમને સ્મશાનમાં દફનાવાયા હતા. અંતિમ યાત્રામાં પરિજનોને દુઃખની ઘડીમાં સાંત્વના આપવા માટે હજારોની સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા, ત્યારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
કેટલી સહાયની જાહેરાત કરાઈ?
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુર્ઘટના બાદ ગઈકાલે સોશ્યલ મીડિયામાં ટ્વીટ કરીને કહ્યું હતું કે, જામનગરમાં રહેણાંક મકાન તૂટી પડવાની ઘટનાથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. આ ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાથના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય કરશે.
પરિવાર થઈ ગયો વેર વિખેર
સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયા હતા. જેમાં મિતલ જયપાલ સાદિયા, જયપાલ રાજેશભાઈ સાદિયા અને શિવરાજ જયપાલ સાદિયાનું મૃત્યુ થયું હતું. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે. ત્યારે રાજ્યમાં જર્જરિત બિલ્ડિંગ હવે મોટી સમસ્યા બની રહી છે.
ADVERTISEMENT