Jamnaganar News: ગુજરાતમાં નવરાત્રી દરમિયાન અંધશ્રદ્ધાની હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. નવરાત્રીમાં કન્યા પૂજનનું ખાસ મહત્વ હોય છે ત્યારે જામનગરમાં એક કન્યાની તેના જ ભાઈ અને બહેને કરપીણ હત્યા કરી નાખી. 15 વર્ષની સગીરાને અપશુકનીયાળ માનીને તેની હત્યા કરી નાખી.
ADVERTISEMENT
મોટી બહેને નાની બહેનને બતાવી અપશુકનિયાળ
વિગતો મુજબ, જામનગરના ધ્રોલના સીમમાં શ્રમિક પરિવાર રહેતો હતો. નવરાત્રી શરૂ થતા જ પરિવારે ધૂણવાનું શરૂ કર્યું. દરમિયાન મોટી બહેને ધૂણતા ધૂણતા કહ્યું તે નાની બહેન અપશુકનિયાળ છે અને તેના કારણે જ ઘરમાં બધી સમસ્યાઓ આવી રહી છે. જે બાદ મોટી બહેન અને ભાઈ બંને જાણે રાક્ષસ બની ગયા હોય એમ નાની બહેનને નિર્વસ્ત્ર કરી નાખી. ભાઈએ નાની બહેનને છરીના ઘા માર્યા અને મોટી બહેન લાકડાના ઘા મારતી રહી.
છરી-લાકડાથી લોહીલુહાણ કરી હત્યા કરી
15 વર્ષની સગીરા જીવ બચાવવા માટે સતત બૂમો પાડતી રહી પરંતુ કોઈ તેનો જીવ બચાવવા વચ્ચે ન પડ્યું. સગીરાનું આખું શરીર લોહીલુહાણ થઈ ગયું છતા ભાઈ-બહેન અટક્યા નહીં અને ઢસડીને તેને બહાર લઈ આવ્યા અને દિવાલ સાથે માથું પછાડ્યું. અંતે સગીરાનું મોત થઈ ગયું. વહેલી સવારે પોલીસને ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચી હતી.
હાલમાં સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જ્યારે હેવાન બની ગયેલા ભાઈ અને બહેન સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે આરોપી ભાઈ રાકેશની ધરપકડ થઈ ગઈ છે, જ્યારે બહેન સગીર હોવાથી તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે.
(દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT