Jamnagar News: રાજ્યમાં મોંઘીદાટ કાર લઈને રસ્તા પર બેફાન થઈને નીકળતા નબીરાઓને હવે જાણે પોલીસનો પણ ડર રહ્યો નથી. અમદાવાદમાં બેફામ નબીરાઓના પૂરપાટ ઝડપે કાર હંકારીને અકસ્માત સર્જવાની ઘટનાઓ વચ્ચે હવે જામનગરમાં પણ નબીરાઓ બેફામ બન્યા છે. જામનગરમાં નબીરાએ પૂરપાટ ઝડપે BMW કાર હંકારીને બાઈક પર જતા દંપતીને અડફેટે લીધા હતા. અકસ્માતમાં પતિનું મોત નિપજ્યું છે, તો પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે.
ADVERTISEMENT
BMWની ટક્કરમાં પતિનું મોત
વિગતો મુજબ, જામનગરના નાની બાણુગરના પાટિયા પાસેથી બાઈક પર દેવરાજ મકવાણા અને તેમના પત્ની અનિતા મકવાણા જઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી 160ની કિમીની ઝડપે નીકળેલી BMW કારે બાઈકને અડફેટે લઈને દંપતીને ફંગોળ્યું હતું. અકસ્માતમાં દેવરાજનું મોત થઈ ગયું, તો પત્ની અનિતાબેનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલકની પોલીસે અટકાયત કરી લીધી છે અને ચાલકનું નામ ગુલમામદ સાટી હોવાનું સામે આવ્યું છે.
ભાઈબીજની ઉજવણી કરી રાજકોટથી ઘરે જતા હતા
ખાસ છે કે, દેવરાજ મકવાણા અને તેમના પત્ની અનિતા મકવાણા ભાઈબીજના તહેવારની ઉજવણી કરીને રાજકોટથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જ BMW કાર ચાલકે બેદરકારીથી વાહન હંકારી અકસ્માત સર્જ્યો અને પળવારમાં હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો. હાલમાં પત્નીને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પરંતુ સવાલ એ થાય છે કે, માતેલા સાંઢની જેમ બેફામ બનેલા નબીરાઓ હજુ કેટલા પરિવારના માળા વિખેરશે.
(ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT