દર્શન ઠક્કર/જામનગર: જામનગરના લાલપુર પંથકના રંગપર જતા કાચા માર્ગ પર ગત મોડી સાંજે એક બિયારણના કમિશન એજન્ટ યુવાનને આંતરી બાઇકસવાર બે યુવકોએ આંખમાં મરચાની ભુકકી નાખી રૂ.20 લાખની રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટના બનતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે શંકાસ્પદ આરોપીઓને પકડવા માયે નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
બિયારણ કમિશન એજન્ટ પૈસા આપવા નીકળ્યો હતો
લાલપુરના રંગપુરમાં રહેતા અને બિયારણના કમિશન એજન્ટ તરીકે કામ કરતા અવેશ દોસ્તમામદ ખીરા નામનો યુવાન ગઈકાલે બપોરે ઘરેથી વેપારીઓને પૈસા ચુકવવા માટે રૂ.20 લાખ રોકડા લઈને બાઇક પર નિકળ્યો હતો. જે બાઇક રંગપર નજીક કાચા માર્ગ પરથી પસાર થઇ રહ્યો હતો, દરમિયાન અચાનક બાઇક પર આવેલા બે યુવાનોએ વેપારીની આંખામાં મરચાની ભુકી નાખી અને રોકડ ભરેલો થેલો આંચકી લીધો હતો. વેપારીએ જોરથી થેલાનું હેન્ડલ પકડ્યું હતુ, ત્યારે લૂંટારૂઓએ પણ બળ પ્રયોગ કર્યો, એવામાં વેપારીના હાથમાં ખાલી થેલાનું હેન્ડલ રહી ગયું અને પૈસા ભરેલી બેગ લઈને લૂંટારૂ ફરાર થઈ ગયા હતા.
બાઈક આવેલા બે લૂંટારૂ આંખમાં મરચુ નાખી પૈસા લૂંટી ગયા
મરચાની ભુકી છાંટતા ફસડાઇ પડેલા યુવાને પોલીસને જાણ કરતા તુરંત મેઘપર પોલીસ ઉપરાંત સ્થાનિક ગુના શોધક શાખા, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ સહિતની વિવિધ પોલીસ ટીમો ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી. આ માતબર રકમની લૂંટની જાણ થતા જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ ગઈકાલે રાત્રીના સ્થળ પર દોડી ગયા હતા. લૂંટારૂઓ કાનાલુસના માર્ગ તરફ નાશી છુટ્યા હોવાની કેફિયતના આધારે પોલીસે ત્વરીત તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે મોટી રકમની લૂંટના બનાવની જાણ થતા પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી લુંટારૂઓના જાણ મેળવવા માટે કવાયત શરૂ કરાઇ છે. જોકે, રાત્રી સુધી બંને લૂંટારૂની કોઇ સગડ ન મળ્યાનુ જાણવા મળ્યુ છે. બીજી બાજુ જામજોધપુર પંથક બાદ લાલપુર પંથકમાં પણ માતબર રોકડ રકમની લૂંટના આ બનાવે જિલ્લાભરમાં ભારે ચકચાર જગાવી છે.
ADVERTISEMENT