અમદાવાદ : ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી આયોજીત થવા જઇ રહી છે. રાજ્ય પાસે હાલ કુલ 11 સીટ છે. જે પૈકી 8 ભાજપ પાસે છે જ્યારે ત્રણ કોંગ્રેસ પાસે છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય વિદેશમંત્રી એસ.જયશંકર સહિત કુલ ત્રણ સભ્યોનો કાર્યકાળ ઓગસ્ટમાં પુર્ણ થવા જઇ રહ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દીધી છે. તેવામાં હવે રાજનીતિ એ મુદ્દે ગરમાઇ છે કે, ગુજરાતમાંથી હવે કોને ફરી ટિકિટ મળશે અને કોની કપાઇ જશે. રાજનીતિક પંડિતોનું માનવું છે કે, ત્રણ સીટો પૈકી એક સીટ તો વિદેશમંત્રી એસ.જયશંકરની પાક્કી માનવામાં આવી રહી છે. જો કે બે મુદ્દે રાજનીતિક પંડિતોના અલગ અલગ મંતવ્યો છે.
ADVERTISEMENT
ઓગસ્ટ મહિનામાં હવે રાજ્યસભાની ત્રણ સીટોની ચૂંટણી થશે. જેમાં ભાજપનો સ્પષ્ટ દબદબો જોવા મળશે. કારણ કે કોંગ્રેસ વિધાનસભામાં ખુબ જ નબળી સ્થિતિમાં છે. ભાજપ પાસે કુલ પોતાની જ 156 સીટો છે. કોંગ્રેસ પાસે 17 ધારાસભ્યો છે. 5 ધારાસભ્યો આપના છે અને 4 અપક્ષ છે. જો કે અપક્ષ ધારાસભ્યો પૈકી મોટા ભાગના ભાજપને ટેકો જાહેર કરી ચુક્યા છે. તેવામાં રાજ્યસભાની સીટમાં જરૂરી વેઇટેજ કોંગ્રેસ પાસે નથી. જેથી કોંગ્રેસ ભારે કશમકશમાં છે. કારણ કે ક્રોસવોટિંગની પણ શક્યતાને કોંગ્રેસ નકારી શકે તેમ નથી.
બીજી તરફ ભાજપમાં ચર્ચા છે કે, જયશંકર નિશ્ચિત છે તેવામાં અન્ય બે સીટો પર ફેરફાર થઇ શકે છે. જે બે બેઠક ખાલી થઇ રહી છે તેમાં જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયાનો સમાવેશ થાય છે. તેવામાં ચર્ચા છે કે પાર્ટી અહીં બીજા કોઇ નવા ચહેરા ઉતારી શકે છે. જેમાં હાલમાં જ મળેલા સંકેત બાદ નીતિન પટેલ સૌથી મોખરે ચાલી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, 2021 માં જ્યારે ભાજપ સરકારે નો રિપિટ થિયરી લાગુ કરી ત્યારે રાજ્યમાંથી ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓના નામ કપાઇ ગયા હતા. તે અસંતોષને ડામવા માટેતે પૈકીના કોઇ બે નેતાઓને અહીં સ્થાન મળી શકે છે.
ભાજપના સુત્રો અનુસાર વિજય રૂપાણી અને નીતિન પટેલને જે પ્રકારે અચાનક જ પદ પરથી તો ઉતારી દેવાયા પરંતુ ધારાસભા પણ ન લડવા દેવામાં આવી તે ખુબ જ આશ્ચર્યજનક હતું. જો કે બંન્ને નેતાઓ પાર્ટીના નિર્ણયને શિરોમાન્ય રાખીને ન માત્ર બધુ જ જતું કર્યું સાથે સાથે પાર્ટીને પોતાના તરફથી બનતી તમામ મદદ પણ કરી હતી. જેથી પાર્ટી તેમને શિરપાવ સ્વરૂપે રાજ્યસભા લડાવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપને તેમના પર એટલો વિશ્વાસ છે કે, વિજય રૂપાણીને પંજાબ અને દિલ્હીની ત્રણ લોકસભાના પ્રભારી બનાવ્યા છે. તો નિતિન પટેલને પણ ઉતરાખંડ અને ઉત્તરપ્રદેશ (5 સીટ) જેવા મહત્વના રાજ્યની જવાબદારી સોપી છે. એસ.જયશંકર હાલમાં જ નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગોદ લીધેલા ગામડાઓની મુલાકાત પણ લીધી હતી.
ADVERTISEMENT