અમદાવાદ: રાજ્યમાં બિપોરજોય વાવાઝોડા દરમિયાન વરસાદનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે છેલ્લા બે દિવસથી ભારે પવનો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદે નદી બે કાંઠે કરી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કહેવાયુ છે કે, હજુ પણ રાજ્યમાં વરસાદી ખતરો ટળ્યો નથી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્ર-કચ્છમાં વિનાશ વેર્યો છે. હજુ પણ તેમની અસર હવામાન પર જોવા મળી રહી છે. . ગઈકાલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને ભારે પવનથી જન જીવન ઉપર ખૂબ જ માઠી અસર પડી હતી. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢમાં વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં 8 ઈંચ વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાક દરમિયાન દાંતા તાલુકામાં પોણા 7 ઈંચ વરસાદ, ધાનેરા તાલુકામાં પોણા 7 ઈંચ વરસાદ, દાંતીવાડા તાલુકામાં 6 ઈંચ વરસાદ, પાલનપુર તાલુકામાં સાડા 5 ઈંચ વરસાદ, સાંતલપુર તાલુકામાં સાડા 5 ઈંચ વરસાદ, ડીસા તાલુકામાં સવા 5 ઈંચ વરસાદ, રાધનપુર તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.
આજે અહી પડી શકે છે વરસાદ
બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઇ ગયું છે. પરંતુ તેની અસર ઓછી નથી થઇ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, કચ્છ, જૂનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દમણ, દાદરા નગર દીવમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT