અમદાવાદઃ આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પાર્ટીનો ચહેરો કોણ હશે તો તેની જાહેરાત કરીને ઈશુદાન ગઢવીને માથે મુક્યા છે. જોકે ઈશુદાન અગાઉથી જ પોતાની વાકપટુતા અને પ્રખર વક્તા જેવી છબી ધરાવે છે, કહેવાય છે કે તેઓ એવા નેતા છે કે જેમની જીભ અને મગજ જોડે કનેક્શન સારું છે પરંતુ આ બધું જાણે માત્ર વાતો જ હોય તેવું આજની તેમની અપીલ પરથી લાગી રહ્યું છે. તેમણે આજે ગુજરાતની જનતાને 1 મહિનો નોકરી ધંધા બંધ કરીને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવાની વીડિયો મારફતે જાહેરાત કરી છે. અહીં અહેવાલ સાથે આપ વીડિયો પણ જોઈ શકો છો.
ADVERTISEMENT
1 મહિનો જીવ-જાન લગાડી દો અને પ્રચાર કરોઃ ઈશુદાન
ઈશુદાન કહે છે કે, મારી વિનંતી છે કે મહિલાઓ, યુવાનો તમામ લોકો 1 મહિનો આપણને મળ્યો છે, 1 મહિનો તમે રજા લઈ જજો અને આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરજો. લોકોને પાર્ટીમાં જોડજો. માનો કે સંપુર્ણ ફુલ ટાઈમ કોઈ ના કરી શકે તો, બે કલાક કરજો, કલાક કરજો, કોઈ મિત્રો-સર્કલને દસ દસ ફોન કરીને જોડી શકે. ઈશુદાનભાઈ એકલા નહીં પણ સાડા છ કરોડ જનતા મુખ્યમંત્રી બનવા જઈ રહી છે. આજે આપની સરકાર બનવા જઈ રહી છે. આપણે એવા કામ કરવા છે જે 75 વર્ષમાં કોઈ પાર્ટીએ ના કર્યા હોય. હું તો નિમિત છું. હું તો આમ આદમી છું તમારી જેમ. 1 મહિનો જીવ-જાન લગાડી દો પ્રચાર કરો. આવનારા 5 વર્ષમાં આપણા બાળકોનું ભાવી આપણે ખુબ ઊંચું લઈ જઈશું.
1 મહિનો ઘરે રોટલો કોણ આપે?
રાજકીય પંડીતોનું માનીએ તો, તેમણે આવી અપીલ કરતા પહેલા જનતા તેને કેવી રીતે જોશે તે પણ જાણી લેવું જોઈતું હતું. કારણ કે અહીં 1 મહિનો ધંધા રોજગાર બંધ કરીએ તો ઘર કેમનું ચલાવવું અને સામાન્ય પ્રજા કોઈ પાર્ટી માટે પ્રચારમાં ઉતરે તેવા ગણિત તેમણે માંડ્યા જ કેમના તે એક પ્રશ્ન છે. મુખ્યમંત્રી ફેસ તરીકે જાહેર થયા પછી તેઓ આવો બફાટ કરી દેશે તેનો કોઈને અંદાજ ન હતો. આજે કરેલું થાળી વાટકા વગાડવા જેવું આ ટુચકું નક્કી સોશિયલ મીડિયા માધ્યમમાં પણ ટ્રોલનો ભોગ બનશે તેવું વિશ્લેષકો માને છે. કારણ કે આ વાત જાણ્યા પછી સામાન્ય માણસ તો એવું જ કહીને ઊભો રહેશે કે ઇસુદાનભાઈ તમારે રાજનીતિ કરવાની છે, અમારે તો ઘર ચલાવાનું છે.
ADVERTISEMENT