ગાંધીનગર : ગુજરાત પોલીસ જવાનો, હેડ કોન્સ્ટેબલ અને ASI ની લાંબા સમયથી માંગ હતી કે, તેમને ગ્રેડ પે આપવામાં આવે. આ અંગે તેમણે આંદોલન કર્યું અને ત્યાર બાદ સરકાર દ્વારા પોલીસ પરિવાર બનાવ્યો અને ગ્રેડ પે અંગે કામગીરી ચાલી રહી હોવાની બાંહેધરી આપી. જો કે આખરે ચૂંટણી નજીક આવતા આક્રમક થયેલી આમ આદમી પાર્ટીએ મુદ્દો ઉઠાવ્યો અને આખરે પોલીસને ગ્રેડ પે તો ન મળ્યો પરંતુ રાહત સ્વરૂપે એક 500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું. જેના હેઠળ કોન્સ્ટેબલથી માંડીને ASI ને 5 હજારથી માંડીને 3 હજાર સુધીનો પગાર વધારો મળ્યો.
ADVERTISEMENT
ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાજકીય હસ્તીઓના હાથા બની રહ્યાનો આરોપ
જો કે હવે આ વધારા બાદ પોલીસના કાંડા કાપી લેવા માંગતી હોય તેવો પોલીસ જવાનોનો મત છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ જવાનો માટે એક એફીડેવિટ તૈયાર કરવામાં આવી છે. જેના પર તમામ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ ASI સુધીના તમામ કર્મચારીઓએ ફરજીયાત સહી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જો કે આ એફિડેવિટનો પોલીસ કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેથી હવે આમાં સહી કરાવવા માટે પોલીસ ઉચ્ચ અધિકારીઓએ એક નવો જ હથકંડો અજમાવ્યો છે. જેના અંતર્ગત જે વ્યક્તિએ આ એફીડેવિટમાં સહી નહી કરી હોય તેને રજા સહિતની કોઇ પણ સુવિધા આપવામાં નહી આવે. એટલે સુધી કે આ અંગે કોઇ મૌખીક નહી પરંતુ લેખીત આદેશ કરવામાં આવ્યો છે.
એફીડેવીટમાં સહી નહી કરનાર પોલીસ જવાનોની સવલતો છીનવવા આદેશ
આ એફીડેવીટમાં એવો ઉલ્લેખ છે કે, સરકાર દ્વારા તેમને આપવામાં આવેલો પગાર વધારો અમને ખુબ જ સારો છે. અમને પગાર વધારાથી કોઇ પણ પ્રકારનો અસંતોષ નથી. ભવિષ્યે અમે કોઇ પણ પ્રકારનું આવું આંદોલન નહી કરીએ. જો તેમ છતા પણ કોઇ આંદોલન કરે છે તો સરકાર કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવે તે અમને મંજૂર છે. આ પ્રકારની એફિડેવિટમાં સહી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT