- SRP કેમ્પસના મેદાનમાં પ્રજાસત્તાક પર્વ ઉજવણી
- હર્ષ સંઘવીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું
- ‘સ્વર્ણિમ ભારત માટે આપણે સૌએ સઘન પ્રયાસ કરવાના છે’
Surat News: સુરતમાં જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી. 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે કામરેજ તાલુકાના વાવ ગામ ખાતે આવેલ SRP કેમ્પસના મેદાનમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે કામરેજ તાલુકામાં દેશના આન, બાન અને શાન સમા 26મી જાન્યુઆરી-75મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના અવસરે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના સંકલ્પને મૂર્તિમંત કરવાની પ્રતિબદ્ધતા સાથે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરતા કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે અવિરત આગળ વધી રહેલા ગુજરાતની વિકાસ ગાથાનું વર્ણન કરી આદર્શ ભારતના નિર્માણમાં વિકાસશીલ કાર્યો કરી ગુજરાતની ભૂમિકાને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
SRP ગ્રુપ મેદાનમાં કરાઈ ઉજવણી
સુરત જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કામરેજ તાલુકાના વાવ સ્થિત એસ.આર.પી. ગ્રુપ મેદાનમાં દેશભક્તિના ઉમંગભર્યા માહોલ વચ્ચે કરવામાં આવી હતી. આ દરમિયાન હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. વિવિધ વિભાગોએ ટેબ્લો પ્રદર્શન કરી સરકારની યોજનાઓની ઝાંખી કરાવી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્યસેનાનીઓ, ક્રાંતિકારીઓ અને બંધારણના ઘડવૈયાઓનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, હજારો ક્રાંતિવીરો, સત્યાગ્રહીઓના ત્યાગ અને બલિદાનને પરિણામે આપણે સ્વતંત્ર ભારતનો ભાગ બની ગૌરવદિનની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદ ભારતના સંચાલન હેતુ દેશનું બંધારણ આકાર પામ્યું, જેથી આજે દેશનો જનજન આગવા બંધારણીય અધિકારો થકી લોકશાહીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યો છે.
‘PM મોદીના માર્ગદર્શનમાં ઉત્તમ ભારતની થઈ રહી છે રચના’
ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, સરદાર પટેલ દ્વારા સાકારિત અખંડ ભારતના સ્વપ્નને આગળ ધપાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ ઉત્તમ ભારતની રચના થઈ રહી છે, જેમાં તેમના પ્રબોધેલા ‘સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ, સૌના પ્રયાસ’ની રાહ પર ચાલી સ્વર્ણિમ ભારત માટે આપણે સૌએ સઘન પ્રયાસ કરવાના છે. તેઓએ કહ્યું હતું કે, ત્રીજી વાર મોદી સરકાર બનતા ભારત દેશની ત્રીજી આર્થિક સત્તા બની જશે
કર્મયોગીઓનું કરાયું બહુમાન
આ પ્રસંગે મંત્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરાયું હતું. ગૃહ રાજ્યમંત્રીએ કામરેજ તાલુકાના વિકાસ માટે રૂા.25 લાખનો ચેક જિલ્લા કલેક્ટર આયુષ ઓકને અર્પણ કર્યો હતો. શ્રેષ્ઠ ટેબ્લોમાં પ્રથમ ક્રમે જિલ્લા ખેતીવાડી કચેરી તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને સંયુક્ત રીતે, દ્વિતીય ક્રમે યુનિટ મેનેજર, વાસ્મો કચેરી અને તૃતીય ક્રમે સુરત આર.ટી.ઓ.ને શિલ્ડ આપી ગૃહ મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીં સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા ટ્રાફિક અને પોલીસ વિભાગના કર્મચારીઓ માટે આયોજિત નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને ખૂલ્લો મૂક્યો હતો. તેમજ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમ પાલન માટે જાગૃતિ અર્થે ટ્રાફિક પોલીસ આયોજિત બાઈક રેલીને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
કોણ-કોણ રહ્યું હતું હાજર?
આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, એસ.આર.પી.એફ. વાવ જૂથ 11ના સેનાપતિ ઉષા રાડા, જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ તથા વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મયોગીઓ, પોલીસ જવાનો, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ, સુરત
ADVERTISEMENT