નરેન્દ્ર પેપરવાલા/નર્મદા : જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર કેવડિયા ખાતે લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુએનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં મિશન લાઇફનું લોન્ચિંગ વડાપ્રઘાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતેથી મિશન લાઇફનું ગ્લોબલ લોચિંગ કરતા જણાવ્યું કે, ભારત આજે સમગ્ર વિશ્વમાં પ્રગતિ અને પ્રકૃતિ વચ્ચે સંતુલનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
ADVERTISEMENT
દેશમાં વન વિસ્તાર વધવા સાથે વન્ય જીવોની સંખ્યામાં પણ વૃદ્ધ થઇ રહી છે. તબક્કાવાર લેવાયેલા પગલાંઓને પરિણામે ભારત પર્યાવરણના સંરક્ષણની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે. વિશ્વમાં ચાર ટનની સાપેક્ષે ભારતમાં કાર્બન ફૂટ પ્રિન્ટનું પ્રમાણ માત્ર પ્રતિ વ્યક્તિ દોઢ ટન છે. ભારત જળ વાયુ પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાના સમાધાન માટે સૌથી અગ્રીમ હરોળમાં કામ કરી રહ્યું છે. રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને સર્ક્યુલર ઇકોનોમી તો હજારો વર્ષોથી ભારતીય જીવનશૈલીના અંગ રહ્યા છે.
જલવાયુ પરિવર્તન સામેની લડાઈમાં વિશ્વમાં એકતાની મહત્વતા વ્યક્ત કરતા મોદીએ જણાવ્યું હતું કે ભારતના ગૌરવ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના પરિસર એકતાનગરથી વિશ્વના પહેલાં ‘મિશન લાઇફ’નું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે “વિશ્વની સૌથી મોટી પ્રતિમા નિર્ધારિત લક્ષ્યોને હાંસલ કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. જ્યારે લક્ષ્ય અસાધારણ હોય છે, ત્યારે તેનું પરિણામ વિશાળ હોય છે”, પુનઃપ્રાપ્ય ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં પગલાં શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે નહેરો પર સોલાર પેનલ લગાવવાની હોય કે પછી જળ સંરક્ષણની યોજનાઓ શરૂ કરવાની હોય, ગુજરાત હંમેશા અગ્રણી અને ટ્રેન્ડસેટર સ્ટેટ તરીકે આગળ આવ્યું છે. જલવાયુ પરિવર્તનએ ફક્ત નીતિ સાથે સંબંધિત એક મુદ્દો છે તે વિચાર પ્રક્રિયા તરફ દોરી જાય છે. આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાને માત્ર સરકાર અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર છોડી દેવાને બદલે હવે તેમાં જનશક્તિને જોડવાની જરૂર છે. લોકો આસપાસના વાતાવરણમાં જળવાયુ પરિવર્તનની અસરો અનુભવી રહ્યા છે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં અણધારી આફતો જોવા મળી છે. લોકોએ વ્યક્તિગત, પરિવાર અને સમુદાય તરીકે જલવાયુ પરિવર્તનની અસરો સામે યોગદાન આપવું જોઇએ.
મિશન લાઇફનો મંત્ર ‘પર્યાવરણ માટેની જીવનશૈલી’ છે. આ વૈશ્વિક અભિયાન પૃથ્વીની સુરક્ષા માટે લોકોની શક્તિઓને જોડે છે, અને તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવાનું શીખવે છે. “મિશન લાઇફ’’ પર્યાવરણના રક્ષણ માટે આપણા રોજિંદા જીવનમાં કરી શકાય તે બધું કરવા માટેની પ્રેરણા આપે છે. મિશન લાઇફથી આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને પર્યાવરણને સુરક્ષિત કરી શકાય છે,”
વીજળીના બીલ ઘટાડવા અને પર્યાવરણની સુરક્ષા માટે ભારતમાં LED બલ્બ અપનાવવાનું ઉદાહરણ આપતા વડાપ્રધાને જણાવ્યું કે, આનાથી મોટા પાયે બચત અને પર્યાવરણીય લાભો થયા અને આ એક પુનરાવર્તિત કાયમી લાભ છે. પ્રતિ વર્ષ એક સો મેટ્રીક ટન કાર્બન ઉત્સર્જનથી બચી શકાય છે. ગાંધીજી એવા ચિંતકોમાંના એક હતા જેમણે લાંબા સમય પહેલા પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવાનું મહત્વ સમજ્યું હતું. તેમણે ટ્રસ્ટીશીપનો ખ્યાલ વિકસાવ્યો.
મિશન લાઇફ આપણને બધાને પર્યાવરણના ટ્રસ્ટી બનાવે છે. ટ્રસ્ટી એવી વ્યક્તિ છે જે સંસાધનોના આડેધડ ઉપયોગને મંજૂરી આપતી નથી. ટ્રસ્ટી શોષક તરીકે નહીં પણ પોષક તરીકે કામ કરે છે તેનો વિશેષ ઉલ્લેખ વડાપ્રધાને કર્યો હતો. મિશન લાઇફ P3 મોડલ એટલે કે પ્રો પ્લેનેટ પીપલની ભાવનાને ઉજાગર કરશે. મિશન લાઇફ, પર્યાવરણ સંરક્ષણ માટે સમગ્ર વિશ્વના વિચારોમાં એકતા લાવે છે. ફોર ધી પ્લેનેટ, બાય ધી પ્લેનેટ, ઓફ ધી પ્લેનેટના મૂળભૂત સિદ્ધાંતો પર તે કાર્ય કરે છે. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને જ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરી શકાય છે. ભારતમાં હજારો વર્ષોથી પ્રકૃતિની પૂજા કરવાની પરંપરા છે. વેદોમાં પાણી, પૃથ્વી, જમીન, અગ્નિ અને વાયુ-પવન જેવા પ્રકૃતિના તત્વોના મહત્વનો ચોક્કસ ઉલ્લેખ છે.
અથર્વવેદને ટાંકીને કહ્યું, “‘માતા ભૂમિહ પુત્રોહમ્ પૃથ્વીહ’ એટલે કે પૃથ્વી આપણી માતા છે અને આપણે તેના બાળકો છીએ. વડાપ્રધાને ‘રિડ્યુસ, રિયુઝ એન્ડ રિસાયકલ’ અને સર્ક્યુલર અર્થતંત્ર પર ભાર મૂકતા કહ્યું કે, હજારો વર્ષોથી આ ભારતીયોની જીવનશૈલીનો એક ભાગ છે. તે આપણને પ્રકૃતિ સાથે સુમેળમાં ચાલવાની પ્રેરણા આપે છે. મિશન લાઇફ પ્રકૃતિના સંરક્ષણને લગતી દરેક જીવનશૈલીનો સમાવેશ કરશે, જે આપણા પૂર્વજોએ અપનાવી હતી અને તેને આજે આપણી જીવનશૈલીનો એક ભાગ બનાવી શકાય છે”
ભારત જલવાયુ પરિવર્તનના જોખમને પહોંચી વળવા પ્રતિબદ્ધ છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું, ભારતમાં વાર્ષિક માથાદીઠ કાર્બન ફૂટપ્રિન્ટ માત્ર દોઢ ટન છે. વિશ્વની સરેરાશ પ્રતિ વર્ષ ચાર ટન છે. તેમ છતાં, જલવાયુ પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ માટે ભારત મોખરે કામ કરી રહ્યું છે. ઉજ્જવલા યોજના, દરેક જિલ્લામાં ૭૫ ‘અમૃત સરોવર’ જેવી પહેલો અને સંપત્તિના બગાડ પર અભૂતપૂર્વ ભાર મૂકવાની હિમાયત કરી. આજે ભારત વિશ્વમાં રિન્યુએબલ એનર્જી માટે ચોથા નંબરની સૌથી મોટી ક્ષમતા ધરાવે છે. પવન ઊર્જામાં ચોથા અને સૌર ઊર્જામાં પાંચમા ક્રમે છે. છેલ્લા સાત આઠ વર્ષમાં ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતામાં લગભગ ૨૯૦ ટકાનો વધારો થયો છે.
નિર્ધારિત સમયમર્યાદાના ૯ વર્ષ પહેલા બિન-અશ્મિ-ઇંધણ સ્ત્રોતોમાંથી ૪૦ ટકા ઇલેક્ટ્રિક ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે. પેટ્રોલમાં ૧૦ ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક પણ હાંસલ કર્યો છે અને તે પણ સમયમર્યાદાના ૫ મહિના પહેલા. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન દ્વારા, ભારત પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત તરફ આગળ વધ્યું છે. આનાથી ભારત અને વિશ્વના ઘણા દેશોને તેમના નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળશે. તેવો વિશ્વાસ વડાપ્રધાને દર્શાવ્યો હતો. પ્રગતિ અને પ્રકૃતિ કેવી રીતે સાથે મળીને ચાલી શકે છે તેનું ભારત એક મુખ્ય ઉદાહરણ છે. હવે જ્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, ત્યારે આપણો જંગલ વિસ્તાર પણ વધી રહ્યો છે અને વન્યજીવોની સંખ્યા પણ વધી રહી છે.
વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડની વૈશ્વિક ઝુંબેશને ઉજાગર કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત હવે આવા લક્ષ્યો તરફના તેના સંકલ્પને મજબૂત કરીને વિશ્વ સાથે તેની ભાગીદારી વધુ વધારવા માંગે છે. “ડિઝાસ્ટર રેઝીલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સંગઠનની રચનાનું નેતૃત્વ કરીને, ભારતે પર્યાવરણીય સંરક્ષણ તરફનો પોતાનો ખ્યાલ વિશ્વને પહોંચાડ્યો છે. મિશન લાઇફ આ શ્રેણીનું આગલંક પગલું છે. ભારત અને સંયુક્ત રાષ્ટ્રએ સાથે મળીને કામ કર્યું છે, ત્યારે વિશ્વને વધુ સારી જગ્યા બનાવવાના નવા રસ્તાઓ મળી આવ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. આગામી વર્ષે આંતરરાષ્ટ્રીય ધાન્ય વર્ષ અંગે સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે.
મિશન લાઇફ તેને વિશ્વના દરેક ખૂણે, દરેક દેશમાં લઈ જવામાં સફળ રહેશે.” “આપણે આ મંત્ર યાદ રાખવાનો છે – પ્રકૃતિ રક્ષાતિ રક્ષિતા: એટલે કે જેઓ પ્રકૃતિનું રક્ષણ કરે છે, પ્રકૃતિ તેમનું રક્ષણ કરે છે. તેવું આહ્વાન મોદીએ કર્યું હતું. ભારત સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ માટે બીજા ઘર જેવું છે. તેઓ તેમની યુવાની દરમિયાન ઘણી વખત ભારતની યાત્રા કરી ચૂક્યા છે. વડાપ્રધાને ભારતની મુલાકાત લેવાની તક લેવા બદલ ગુટેરેસનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં તેમનું સ્વાગત કરવું એ પરિવારના સભ્યને આવકારવા જેવું છે.
ADVERTISEMENT