Anand News: અમદાવાદ અને વડોદરામાં જાણીતા બિલ્ડરોના ગ્રુપો, ફટાકડા અને કેમિકલ ઉદ્યોગો સાથે સંકળાયેલા મોટા ગજાના વેપારીઓને ત્યાં મેગા ઓપરેશન હાથ ધર્યા બાદ હવે ઈન્કમટેક્સ વિભાગે આણંદ અને આણંદ જિલ્લામાં ઉદ્યોગપતિ, જ્વેલર્સ, બિલ્ડરોના મોટા ગ્રુપ પર સપાટો બોલાવ્યો છે. આણંદ અને આણંદ જિલ્લામાં અનેક ઠેકાણાઓ પર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકતા અન્ય બિલ્ડરો, જ્વેલર્સ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.
25થી વધુ સ્થળોએ દરોડા
ખેડા, આણંદ તથા નડિયાદમાં મસાલા ઉત્પાદક સહિત બે જુથોને નિશાન બનાવીને સવારથી 25થી વધુ સ્થળોએ દરોડા કાર્યવાહી હાથ ધરી છે. અનેક સ્થળોએ ઈન્કમટેક્સની કાર્યવાહીથી ચકચાર મચી જવા પામી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગરમ મસાલા ઉત્પાદનમાં સંકળાયેલ અને જાણીતું નામ ધરાવતા એશિયન ગ્રુપ પર પણ ઈન્કમટેક્સના દરોડા પડ્યા છે.
નારાયણ ગ્રુપ પર પણ દરોડા પાડ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીના માલિક-ભાગીદારોના નિવાસસ્થાન તથા ફેક્ટરી-ઓફિસમાં પણ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો છે. આવકવેરા વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આણંદના નારાયણ ગ્રુપ પર પણ દરોડા પડ્યા છે. આણંદનું નારાયણ ગ્રુપ રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલું છે.
રાધે જ્વેલર્સમાં ત્રાટકી ટીમ
તો આણંદના તાસ્કદ ચાર રસ્તા પાસે આવેલ રાધે જ્વેલર્સમાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. સવાર સવારમાં જ રાધે જ્વેલર્સમાં ઈન્કમટેક્સ વિભાગની ટીમ ત્રાટકી છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે.