સુરતઃ સુરતની વરાછા રોડ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી (આપ)નું નેતૃત્વ કરી રહેલા ઉમેદવાર અલ્પેશ કથિરિયાએ ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. અલ્પેશ કથિરિયા પણ આંદોલન સમયનો ચહેરો છે તો તેમની સામે પણ ગુનાઓની હારમાળા એટલી જ લાંબી છે. અલ્પેશ કથિરિયા સામે કુલ 13 ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત અલ્પેશ કથિરિયાએ કરેલા સોગંદનામામાં તેઓએ સંપત્તિ પણ દર્શાવી છે. સંપત્તિ જોતા ખ્યાલ આવે છે કે પાર્ટી પ્રમુખ ગોપાલ ઈટાલિયા કરતાં અલ્પેશ કથિરિયા વધુ ધનીક છે. આપને પણ તેમની સંપત્તિ, ભણતર, વ્યવસાય વગેરે બાબતોને જાણવાની ઉત્સુકતા હતી. તો ચાલો આપણે વધુ વિગતો મેળવીએ.
ADVERTISEMENT
કથિરિયાનું ભણતર કેટલું
અલ્પેશ કથિરિયા આમ તો વકીલ છે એટલે સ્વાભાવીક રીતે તમે સમજી શક્યા છો કે તેમણે એલએલબી કર્યું હશે. જોકે અહીં આપને એ પણ જણાવી દઈએ કે તેમણે વર્ષ 2013માં બી કોમ કે પી કોમર્સ કોલેજમાંથી કર્યું હતું. જે પુરું થયા પછી તેમણે વી ટી ચોક્સી કોલેજ માંથી એલ એલબીનો અભ્યાસ પુરો કર્યો હતો.
જાણીએ કેટલી છે આવક અને સંપત્તિ
29 વર્ષની વયના અલ્પેશ કથિરિયા સુરતના વરાછા રોડ પર આવેલા નાના વરાછા ગામ ખાતેની તાપીદર્શન સોસાયટીમાં રહે છે. વ્યવસાયે વકીલ એવા આમ આદમી પાર્ટીએ વરાછા રોડ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. હાલ તેમની વાર્ષિક આવકની વાત કરીએ તો અલ્પેશ કથિરાયાની આવક વર્ષ 2018-19માં રૂ. 3.10 લાખ હતી, 2019-20માં રૂ. 3.18 લાખ, 2020-21માં રૂ. 3.67 લાખ, 21-22માં રૂ. 3.78 લાખ અને વર્ષ 2022-23માં તેમની આવક રૂ. 3.82 લાખ તેમણે દર્શાવી છે. તેમણે હાથ પર રોકડ 9.50 લાખ રૂપિયા દર્શાવી છે તે સાથે જ તેમની પાસે કુલ જંગમ મિલકત 11.14 લાખ રૂપિયા છે. તેમણે પોતાની આવકનો સ્ત્રોત પોતાની વકીલાતની ફી દર્શાવી છે. જોકે તેમણે પણ ગોપાલ ઈટાલિયાની જેમ સ્થાવર મિલકતમાં લાગુ પડતું નથી તેમ દર્શાવ્યું છે. મતલબ કે તેમની પાસે જે છે તે આ 11.14 લાખ રૂપિયાની જ સંપત્તિ છે. ગોપાલ ઈટાલિયા પાસે તો થોડું અમથું સોનું પણ છે પરંતુ અહીં કથિરિયાએ એ પણ વસાવ્યું નથી. ના કોઈ લોન ના કોઈ દેવું, પણ ગોપાલ ઈટાલિયાએ પોતાની કુલ સંપત્તિ 7 લાખ રૂપિયા આસપાસ દર્શાવી છે પરંતુ તેના કરતાં અલ્પેશ કથિરિયાની વકીલાત વધુ સારી ચાલે છે તેવી હળવી વાત કરી શકાય.
રાજદ્રોહની બે ફરિયાદ સાથે 13 ગુનાઓ અને તેની ટુંકી વિગતો
અલ્પેશ કથિરિયા સામે વિવિધ પોલીસ મથકોમાં કુલ 13 ગુનાઓ નોંધાયેલા છે. આ પૈકીના કેટલાક કેસમાં ગંભીર કલમો મુકવામાં આવેલી છે. પહેલા વર્ષ 2015માં અનામત આંદોલન દરમિયાનની રાજદ્રોહની ફરિયાદ જે સુરતના અમરોલી પોલીસ મથકે નોંધાયેલી છે. જેમાં તેમની સામે ચાર્જ ફ્રેમ થઈ ચુક્યો છે પરંતુ સજા હજુ થઈ નથી. આ તરફ ગેરકાયદે મંડળી ઊભી કરવા મામલે કલમ 143, 149 અંતર્ગત આ જ પોલીસ મથકમાં 2017 અને 18 માં બે ગુના નોંધાયા હતા જેમાં પણ એકમાં ચાર્જ ફ્રેમ થઈ ચુક્યો છે પણ સજા થઈ નથી. આમરોલી પોલીસ સ્ટેશનમાં જ તેમની સામે હંગામો મચાવવા અને એટ્રોસીટીનો ગુનો નોંધાયેલો છે. જેની હજુ ચાર્જશીટ ફાઈલ થઈ નથી. સરથાણા પોલીસ મથકે વર્ષ 2018માં ગેરકાયદે મંડળી રચી હંગામો કરવા બદલ કેસ નોંધાયો હતો. વરાછા પોલીસ મથકે જાહેરમાં અપશબ્દો બોલવા મામલે 2017માં ગુનો નોંધાયો હતો જેમાં તેમની સામે ચાર્જફ્રેમ થઈ ચુક્યા છે પરંતુ સજા થઈ નથી. આવી જ રીતે આ જ પોલીસ મથકે તફરજમાં રુકાવટ ઊભી કરવાના ત્રણ કેસ નોંધાયેલા છે જેમાં પણ બે કેસમાં ચાર્જ ફ્રેમ થઈ ચુક્યો છે. આ તરફ આ જ ગુનામાં તેઓની સામે અમદાવાદના સેટેલાઈટ પોલીસ મથકે પણ વર્ષ 2018માં ફરિયાદ થઈ હતી. તે પછી અમદાવાદમાં વધુએક રાજદ્રોહની ફરિયાદ વર્ષ 2018માં થઈ હતી. કામરેજ પોલીસ મથકે પણ બે કેસ વર્ષ 2015 અને 2021માં નોંધાયા હતા જેમાં ફરજમાં રુકાવટ ઊભી કરી ગેરકાયદે મંડળી કરવાનો આરોપ લગાવાયો છે. જેમાં એક ફરિયાદમાં ચાર્જ ફ્રેમ થઈ ગયા છે.
ADVERTISEMENT