અમદાવાદ : બિપરજોય વાવાઝોડાને પગલે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને તોફાની પવનના કારણે સ્થિતિ વિપરિત બની છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકામાંથી 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં જ 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 4 કલાકમાં ભાવનગર જિલ્લાનાં પડેલા વરસાદમાં વલ્લભીપુરમાં 6 મીમી, ભાવનગરમાં 45 મીમી, ઘોઘામાં 21 મીમી, સિહોરમાં 17 મમી, ગારીયાધારમાં 15 મીમી, પાલીતાણામાં 18 મીમી, તળાજામાં 4 મીમી, મહુવામાં 6 મીમી અને જેસરમાં 8 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે ઉમરાળા એક જ તાલુકામાં વરસાદ નથી નોંધાયો.
ADVERTISEMENT
મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ વડોદરા શહેરોમાં મોડી સાંજે વરસાદની એન્ટ્રી થઇ હતી. શહેરના એસજી હાઇવે સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંન્ને વિસ્તારમાં તોફાની વરસાદ નોંધાયો હતો.
વડોદરામાં સરેરાશ 60 થી 70 કિલોમીટરની સ્પીડથી વરસાદ પડ્યો છે. ભારે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવાઝોડું ત્રાટકતાની સાથેજ શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ, વૃક્ષો, વીજતાર તુટવાની ઘટનાઓ સામે આવવા લાગી હતી. આ વાવાઝોડામાં સૌથી વધારે નુકસાન વૃક્ષોનું થયું છે. આ ઉપરાંત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. લોકો કામ ધંધેથી પરત ફરતા સમયે ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવના તણાવ, લોદ્રાણી સહિતના અનેક ગામોમાં પાણી જોવા મળ્યા હતા. સરહદી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદના કારણે વિઝેબિલીટી ઘટતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાધનપુરમાં પણ અનરાધાર વરસાદ પડ્યો હતો. રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ હતી. પાટણ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ઠેરઠેર પાણી ભરાયા હતા. મહેસાણામાં પણ ઠેર ઠેર વરસાદ પડ્યો હતો. શહેરની થરાની મોડલ સ્કુલના શેડ પણ હવામાં ઉડી ગયા હતા.
ADVERTISEMENT