દર્શન ઠક્કર, જામનગર: એક તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલની સુવિધાને લઈ અનેક મોટી મોટી વાતો કરી છે. ત્યારે હકીકત કઈક અલગ જ જોવા મળી રહી છે. કોરોનાના આકરા સમયમાંથી પસાર થયા બાદ પણ ગુજરાતના આરોગ્ય તંત્રએ જાણે કોઈ બોધ પાઠ શીખ્યો જ ન હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હૉસ્પિટલ એક બેડ પર બે-બે બાળકોને સારવાર આપવી પડે છે.
ADVERTISEMENT
શિયાળાની વિદાય અને ઉનાળાની અચાનક એન્ટ્રીથી લોકોના સ્વાસ્થ્ય પર વ્યાપક અસર પડી છે. આ મિશ્ર ઋતુને કારણે જામનગરની જીજી હોસ્પિટલમાં બાળદર્દીઓ સહિતના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેને પરિણામે આરોગ્ય સત્તાવાળાઓ પર હવે દબાણ જોવા મળી રહ્યું છે.કેમ કે, આ દિશામાં તેઓએ સમયસર તૈયારીઓ કરી ન હતી. અને હવે આયોજનની મીઠડી વાતો હવામાં ફંગોળવામા આવી રહી છે. ત્યારે તંત્રની તૈયારીને લઈ સાચું દ્રશ્ય સામે આવ્યું છે.
રોગચાળાનાં એંધાણ અગાઉથી પારખ્યા નહીં
જામનગરમાં મિશ્ર હવામાન એટલે કે, ઠંડી અને ગરમી બને સાથેસાથે ઘણાં દિવસોથી છે. અને સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની સરકારી જીજી હોસ્પિટલમાં ઘણાં સમયથી OPD પણ વધી રહી હતી. ત્યારે સેંકડો દર્દીઓને વધુ સારવાર માટે દાખલ કરવા પડી રહ્યા છે. એ બાબત પણ અચાનક સામે નથી આવી. હોસ્પિટલ સત્તાવાળાઓએ રોગચાળાનાં એંધાણ અગાઉથી પારખ્યા નહીં, હોતી હૈ ચલતી હૈ માનસિકતા ધરાવતાં સત્તાવાળાઓને કારણે આજે બાળદર્દીઓને બાળકોનાં વોર્ડમાં એકએક બેડ પર બબ્બે બાળકોને સારવાર આપવી પડી રહી છે !
રોગ ફેલાવવાનો ડર
આ સ્થિતિમાં ચેપી રોગોને પ્રસરી જવાનો દર સતત સતાવી રહ્યો છે. એ મુદ્દો હોસ્પિટલ સત્તાવાળાઓએ અત્યાર સુધી ધ્યાનમાં શા માટે ન લીધો ? ઘણાં સમયથી સ્થાનિક અહેવાલો કહે છે કે, શહેર અને જિલ્લામાં રોગોનું પ્રમાણ ખાસ કરીને વાયરલ બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. તો પણ અત્યાર સુધી હોસ્પિટલ તંત્ર ઉંઘ માણતું રહ્યું અને હવે બાળકો માટે વધારાનાં અલાયદા વોર્ડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની ‘સરકારી’ વાતો કરી રહ્યા છે .
ઉઠયા અનેક સવાલો
હોસ્પિટલમાં સમયાંતરે તસવીરો ખેંચાવનારાઓએ આ સ્થિતિ પેદાં થઈ ત્યાં સુધી આગોતરૂ કોઈ આયોજન શા માટે ન કર્યું ?! તે ગંભીર પ્રશ્ન સર્વત્ર પૂછાઈ રહ્યો છે. જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે એવી વાતો ગૌરવપૂર્ણ રીતે કરવાવાળા સામે સવાલો ઉઠયા છે. હોસ્પિટલમાં માત્ર બાળદર્દીઓની સંખ્યા જ નથી વધી રહી, છેલ્લાં ઘણાં સમયથી પુખ્ત વયના દર્દીઓની સંખ્યા પણ કૂદકેને ભૂસકે વધી રહી છે. છતાં હોસ્પિટલ તંત્રને કાઇ પડી જ ન હોય તે રીતે વર્તે છે. જેને કારણે જામનગર શહેર અને જિલ્લાના હજારો દર્દીઓ જીજી હોસ્પિટલમાં વિવિધ પ્રકારની હાલાકીઓનો સામનો કરી રહ્યા છે !
આ પણ વાંચો: હવે નહીં ચાલે શાળાઓની મનમાની: ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ફરજિયાત, સરકાર કાયદો ઘડશે
તંત્ર રામભરોસે
સરકારે સૌરાષ્ટ્રની સૌથી મોટી કહેવાતી આ હોસ્પિટલનાં તંત્રને પાછલાં પચીસેક વર્ષથી સાવ રામભરોસે છોડી દીધું છે તેવી લોકો ફરિયાદ કરી રહ્યા છે. જેને કારણે હજારો લોકો પરેશાન છે અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જીજી હોસ્પિટલનું તંત્ર કોઈ સુધારી શકતું નથી ! તેથી લોકોની નારાજગી છેલ્લાં ઘણાં સમયથી વારંવાર આક્રોશનું સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે સરકારે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ પર થોડું ધ્યાન આપી, હોસ્પિટલ માં સારવાર અર્થે આવતા ગરીબ વર્ગના દર્દીઓને પૂરતી અને યોગ્ય સારવાર મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT