અમદાવાદ : ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નિકળેલા તોફાનોમાં અનેક દયનીય ઘટનાઓ બની હતી. જો કે તેમાં સૌથી વધારે ચમકેલા કિસ્સાઓ પૈકીનો એક બિલકિસ બાનો કેસના આરોપીઓને છોડી દેવામાં આવતા મામલો વિવાદિત બન્યો છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા આરોપીઓને છોડી દેવાના મુદ્દે અને વિશ્વહિંદુ પરિષદ દ્વારા આરોપીઓનું સન્માન થવા મુદ્દે ભાજપ પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આ કમિટીમાં રહેલા ભાજપના સાંસદ, ધારાસભ્ય અને અન્ય ભાજપ તરફી વિચારસરણી ધરાવતા લોકો સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જેના કારણે હાલ આ સમગ્ર મામલો વિવાદિત બન્યો છે.
ADVERTISEMENT
દોષમુક્ત થયેલા આરોપીઓનું સ્વાગત કરનારનું પણ સમર્થન
જો કે આટલું ઓછું હતું તેમ આ કમિટીના સભ્ય અને ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજીએ આરોપીઓનાં બચવમાં નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, આરોપીઓ પોતાની સજા ભોગવી ચુક્યા હતા. સજા ઉપરાંત પણ ઘણો સમય તેમણે કાપ્યો હતો અને કેટલાક તો બ્રાહ્મણો હતા અને સારા પરિવારમાંથી આવતા હતા. બ્રાહ્મણો પોતાના સંસ્કારના કારણે ઓળખાય છે. તેથી તેમને છોડવા યોગ્ય કહી શકાય. આ ઉપરાંત રાઉલજીએ તેમનું સન્માન કરનારા લોકોનું પણ સમર્થન કર્યું હતું.
કલેક્ટરની અધ્યક્ષતામાં બનેલી કમિટીના સભ્ય રાઉલજી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોધરાના ધારાસભ્ય સીકે રાઉલજી કલેક્ટર સુજાત્રા માયાત્રાની અધ્યક્ષતામાં બનેલી ગુજરાત સરકારની પેનલનો ભાગ હતા. આ પેનલે સર્વસંમતીથી જ તમામ 11 આરોપીઓને છોડી મુકવાની ભલામણ કરી હતી. કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાણ પણ આ પેનલમાં હતા. આ નિર્ણય તેવા સમયે લેવાયો જ્યારે એક આરોપીએ સુપ્રીમ કોર્ટમાં મુક્તિ માટેની અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પર નિર્ણય છોડ્યો હતો.
શું છે બિલકિસબાનો કેસ
ગોધરાકાંડ બાદ રમખાણો ફાટી નિકળ્યા હતા. દરમિયાન સ્થાનિક ટેન્શન જોઇને બિલકિસ બાનો પોતાના પરિવાર સાથે અન્ય સ્થળે જવા માટે નિકળી ગયા હતા. જો કે તે તોફાની ટોળાના હથ્થે ચડી ગયા અને તેના પરિવારના કુલ 7 લોકોની હત્યા કરવામાં આવી. બિલકિસ પર સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું. તે સમયે બિલકિસ 5 મહિનાની ગર્ભવતી હતી. તેના બાળકનું પણ મોત નિપજ્યું. જો કે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે આખો મામલો સુપ્રીમમાં ગયો અને સીબીઆઇ તપાસ બાદ 11 લોકોને દોષીત ઠેરવીને સજા કરવામાં આવી હતી.
ADVERTISEMENT