પોરબંદર : અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપોરજોય વાવાઝોડુ આગામી દિવસોમાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખાના ખરાબી સર્જે તેવી શક્યતા છે. ખાસ કરીને તે ગુજરાતના દરિયાઇ પટ્ટી પર સૌથી વધારે અસર કરશે. દ્વારકા અને પોરબંદર સહિત ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ટકરાવાની શક્યતા હવામાન વિભાગની દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે અંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ચોપાટીની મુલાકાત લીધી હતી. દરિયામાં તોફાનના પગલે જોવા મળી રહેલા કરંટની સ્થિતિના પગલે કિનારાના વિસ્તારોમાં સર્જાયેલી ખાનાખરાબીનો તાગ મેળવ્યો હતો. હતી.
ADVERTISEMENT
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જો કે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. મોઢવાડીયાએ દાવો કર્યો કે, વાવાઝોડા સમયે ડિઝાસ્ટરની કામગીરી સરકાર કરે છે પરંતુ તેને અટકાવવા માટેના પગલાં સરકાર લેતી જ નથી. નદી કાંઠા પર ગેરકાયદેસર રેતી ખનન થાય છે જેના કારણે નદીના કાંઠાઓ ધોવાઇ રહ્યા છે. જેના કારણે નદીમાં આવતું પાણી શહેરી વિસ્તારોમાં પણ ફરી વળે છે. સુરત, વલસાડ અને નવસારીમાં દરિયા શહેર તરફ પહોંચી ગયો છે અને પોરબંદરમાં પણ સામાન્ય ભરતીમાં પણ ચોપાટીમાં પાણી ઘૂસી જાય છે. સરકારે કાઠાંઓને મજબૂત કરાવવા જોઇએ. જેથી દરિયાઇ કાંઠા વિસ્તારના લોકોને નુકસાન ન પહોંચે.
પોરબંદરમાં નેવી, કોસ્ટ ગાર્ડ પોલીસ રેવન્યુ સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંભાળતી અનેક ટીમો તહેનાત છે. આ અંગે જિલ્લા કલેકટરે કહ્યું કે, સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ થઇ ચુકી છે. જરૂરી તમામ સાધન સામગ્રી પણ મંગાવી લેવાઇ છે. કોઇ પણ સ્થિતિમાં રાહત અને બચાવની કામગીરી માટે નેવી, કોસ્ટગાર્ડ, અને એનડીઆરએફની ટીમો ખડેપગે તહેનાત છે. બીજી તરફ તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાની અસર પહોંચી વળવા પૂર્વ તૈયારીઓ કરી દેવાઇ છે.
શહેરના 5 પાર્કિંગ એરિયામાં 4500 જેટલી બોટોને લાંગરી દેવાઇ છે. દરિયા કિનારાના 31 જેટલા ગામોમાં પ્રાથમિક જરૂરિયાત મુજબના અંદાજે 3 હજાર જેટલા પરિવારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેઓને પરિસ્થિતિ અનુસાર આશ્રય સ્થાનોમાં જરૂર પડે તો ખસેડવામાં આવશે. જિલ્લામાં 297 જેટલા આશ્રય સ્થાનો ઉપરાંત ચાર સાયક્લોન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT