મોરબી : બાપૂ એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ધરતી ગુજરાતમાં એક શરમજનક ઘટના સામે આવી છે. મોરબી જિલ્લામાં સોખડા ગામમાં સરકારી મધ્યાહન ભોજનને લઈને વિવાદિત સ્થિતિ ઉદ્ભવી હતી. શિક્ષાના મંદિરમાં જાતિવાદનો ઝેરીલો માહોલ જોવા મળી રહ્યો છે. એક સ્કૂલમાં દલિત મહિલા મધ્યાહન ભોજનની રસોઈ બનાવે છે. જેના કારણે સ્કૂલના 147 બાળકોએ મધ્યાન ભોજનનો ઇન્કાર કરી દીધો હતો. 16 જૂનથી એટલે કે છેલ્લા અઢી મહિનાથી વધારે સમયથી બાળકો ઘરેથી જ ટિફિન લઇને આવતા હતા. ભોજન બનાવવાનો કૉન્ટ્રાક્ટ મળ્યો તે ધારા મકવાણાએ ફરિયાદ પણ દાખલ કરી હતી. મહિલાનો આરોપ છે કે, પોતે દલિત સમુદાયના હોવાને કારણે વિદ્યાર્થીઓને ઘરેથી જ મધ્યાન ભોજન લેવાનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
ગામમાં ઓબીસી વસ્તી મોટાપ્રમાણમાં
શ્રી સોખડા પ્રાથમિક શાળામાં કુલ 153 વિદ્યાર્થીઓ છે. જેમાંથી 147 વિદ્યાર્થીઓ કોળી, ભરવાડ, ઠાકોર અને ગઢવી જેવા OBC સમુદાયના છે. ધારાને ખોરાક રાંધવાનો કોન્ટ્રાક્ટ મળ્યા બાદ 16 જૂનથી એક પણ બાળકે શાળામાં બનાવેલો ખોરાક ખાધો નથી. ધારા મકવાણા દ્વારા વિભાગ દ્વારા શાળા પ્રશાસન અને પોલીસને જાણ કરવામાં આવી હતી. શાળાના આચાર્યા બિંદીયાબેન રત્નોતરે જણાવ્યું કે, પહેલા બાળકો મધ્યાન ભોજન કરતા હતા. જો કે હવે તેઓ મધ્યાનભોજનનો ઇન્કાર કરી રહ્યા છે. અમે બાળકોને શાળામાં જમવા માટે કહીએ છીએ પરંતુ બાળકો સ્કૂલમાં જમવાની મનાઈ કરે છે. અમે બાળકોના વાલીઓ સાથે પણ વાત કરી છે પરંતુ હજુ સુધી આ મામલે કોઈ ઉકેલ આવ્યો નથી.
સ્થાનિક તંત્રની ઘટના બાદ ઉંઘ હરામ થઇ
શાળા પ્રશાસન, મામલતદાર અને ગામના લોકો વચ્ચે બે-ત્રણ બેઠકો પણ યોજાઈ હતી, પરંતુ અઢી મહિના વિતવા છતા હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. શાળામાં બાળકોએ ખોરાક ન ખાતા હવે શાળામાં ભોજન બનાવવાનું બંધ કરી દીધું છે. જેના કારણે શાળામાં પડેલું અનાજ સડી રહ્યું છે. ધારાબેન દ્વારા ફરિયાદ કરવામાં આવતા આજે મામલતદારની ટીમ અને શિક્ષણ વિભાગની ટીમ શાળાએ પહોંચી તપાસ કરી હતી.
તપાસ ટીમ દ્વારા ગામ લોકોને સમજાવવામાં આવ્યા
ટીમે બાળકોના માતા-પિતા, ગામના સરપંચ સાથે વાત કરી, દરેકને જ્ઞાતિવાદી વલણ ન રાખવા જણાવ્યું અને બધા સમાન છે અને કોઈ અસ્પૃશ્ય નથી તેવી પણ સમજણ આપી પરંતુ કોઈ ફાયદો થયો નહીં. જો કે કલેક્ટર સહિતના અધિકારીઓની સમજાવટ બાદ સમગ્ર મામલો શાંત પડ્યો હતો. ગામલોકોએ ભોજન માટેની તૈયારી દર્શાવી હતી. જેના અનુસંધાને આજે શાળાના બાળકો ઉપરાંત ગામના નાગરિકો અને મામલતદાર સહિતનાં અધિકારીઓએ સાથે બેસીને ભોજન લીધું હતું. સમગ્ર વિવાદનો ઉકેલ આવવાની સાથે ઘીના ઠામમાં ઘી ઢોળાયું હતું.
સ્થાનિક તંત્ર અને અધિકારીઓ પણ સમજાવટના કામે લાગ્યા
તપાસ ટીમ, મામલતદાર, શાળાના આચાર્યો તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને આખરે તે સફળ રહ્યો. આપણે આઝાદીનું 75મું વર્ષ ઉજવી રહ્યા છીએ. આટલા વર્ષ બાદ પણ ગાંધીના ગુજરાતમાં આ ઘટના વિચારવા મજબૂર કરે તેવી છે. સર્વોચ્ચ પદ પર બેસવાથી કે બેસાડવાથી કોઈ ફેર નથી પડતો ફરક પડે છે માનસિકતા બદલવાથી. શરુઆત કરીએ એક નાનકડા કદમથી આશા રાખીએ કે બાળકોના નાનકડા માનસપટલ પર આ પ્રકારની જાતિવાદી, કે જ્ઞાતિવાદી વિચારસરણીને ન થોપીએ. જલદી બદલાવ આવશે તેવી આશા રાખીએ.
ADVERTISEMENT