Jamnagar News: રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. ક્યારેક મસાલા પાપડમાં તો ક્યારેક સંભારમાં જીવાતો નીકળતી ઘટના સામે આવી છે. ત્યારે જામનગરમાં હવે ડોમિનોઝ પિઝામાંથી પણ મરેલી માખી મળવાની ઘટના સામે આવી છે. જે બાદ ગ્રાહકે તેની ફરિયાદ ફૂડ શાખામાં કરી હતી. આ બાદ આઉટલેટને રૂ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ડોમિનોઝ પિઝામાં મરેલી માખી નીકળી
વિગતો મુજબ, જામનગર શહેરના લાખોટા તળાવ પાસે આવેલ ડોમિનોઝ પિઝામાંથી નાગનાથ ગેટ પાસે રહેતા કપિલ સોઢા નામના યુવક ગયા હતા. તેમણે 6 પિઝા ઓર્ડર કર્યા હતા. જેમાંથી 1 પિઝામાં મરેલી માખી નીકળી હતી. જે બાદ યુવકે ફૂડ શાખાનો સંપર્ક કરીને સીધી ફરિયાદ કરી હતી. આ બાદ ફૂડ શાખા દ્વારા ડોમિનોઝ પિઝામાં ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ફૂડ શાખાએ 10 હજારનો દંડ કર્યો
ગ્રાહકની ફરિયાદના આધારે મનપાની ફૂડ વિભાગની ટીમે ડોમિનોઝ પિઝા પહોંચી ગઈ હતી. અહીં તપાસ હાથ ધરતા સ્વચ્છતાની બેદરકારી સામે આવતા સંચાલકને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ પહેલા પણ જામનગરમાં અન્ય એક બ્રાન્ડના પિઝામાંથી વંદો નીકળ્યો હતો અને કડક કાર્યવાહી કરાઈ હતી.
ADVERTISEMENT